આજે આપણે જોઈશું કે ઘરે સરળ રીતે સ્પ્રિંગ રોલ ની શીટ્સ કેવી રીતે બનાવવી જો સ્પ્રિંગ રોલ નું બહારનું લેયર એકદમ ક્રિસ્પી હોય તો જ એ ખાવાની મજા આવે અને આ શીટ્સ ને તમે પટ્ટી માં કાપી નાના સમોસા કે ચાઇનીઝ પોકેટ કે પાર્સલ પણ બનાવી શકો છો સાથે એને બનાવીને ફ્રિજમાં ૪-૫ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
૨ કપ મેંદો
૧/૪ કપ કોર્ન ફ્લોર
૧/૨ ચમચી મીઠું
૧/૨ મોટી ચમચી તેલ
પાણી (૧ કપમાં થોડું ઓછું જોઈશે )
મેંદા ની પેસ્ટ બનાવવા
૩ ચમચી મેંદો
૩ ચમચી તેલ
રીત :
1) એક વાસણમાં પાણી સિવાયની બધી વસ્તુ મિક્ષ કરી લો

2) હવે થોડું થોડુ પાણી એડ કરતા જઈ એનો રોટલી જેવો લોટ બાંધી લો અને એને ઢાંકીને અડધો કલાક રહેવા દો

3) એક બાઉલમાં મેંદો અને તેલ મિક્ષ કરી પેસ્ટ બનાવી લો

4) આ રીતે બે નાની પુરી વણી લો

5) એક પુરી પર તૈયાર કરેલી મેંદાની પેસ્ટ લગાવી ઉપર થોડો કોરો મેંદો છાંટો અને બીજી પુરી તેના ઉપર મૂકી દો

6) હવે અટામણ લઈ આ રીતે મોટી પાતળી ર્રોટલી વણી લો

7) એને તવી પર અધકચરી શેકી લો (૨૦-૨૫ % જ શેકવાની છે )

8) એને ગરમ ગરમ જ એક બે વાર પાતલી પર સહેજ પછાડો એટલે આ રીતે એના પડ છુટ્ટા પડી જશે

9) રોટલીને આ રીતે ચોરસ કાપીને પણ તમે અલગ કરી શકો

10) હવે જો એને તરત ઉપયોગ માં નથી લેવી તો તમે એને ઝીપ પાઉંચ માં ભરીને ફ્રીજમાં ૪-૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો

11) હવે આ સ્પ્રિંગ રોલ શીટ્સ તૈયાર છે આમાં થી સ્પ્રિંગ રોલ ,સમોસા કે પોકેટ કઈ પણ બનાવી શકો છો

નોંધ :
બધી રોટલી એકસાથે વણીને પછી પણ તમે એને ફટાફટ શેકી શકો છો જો આ રીતે બધી શેકો છો તો ત્યારે એને ચોરસ કટ કરી પછી અલગ કરવી સરળ રહેશે કેમકે ગરમ રોટલી ના પડ જલ્દી છુટા પડે જયારે થોડી ઠંડી રોટલી ની કિનારી પ્રોપર છૂટી ના પડે એટલે એને કાપીને પછી અલગ કરો