હવે જો દાળ વધે તો આ રીતે એનો ઉપયોગ કરો | Gujarati Dal Dhokli Recipe

આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી ,  આમ તો આપણે દાળ બાફીને દાળ ઢોકળી બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમને જો ઘર માં ગુજરાતી દાળ વધે તો એનો ઉપયોગ કરીને દાળ ઢોકળી કેવીરીતે બનાવવી તે બતાવીશ જેથી જે દાળ વધી છે એનો ઉપયોગ પણ થઈ જશે અને એક બીજી રેસીપી પણ ડિનર માટે બની જશે તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :

૧ નાની વાટકી વધેલી ગુજરાતી દાળ

૫૦૦ મિલી પાણી

૧/૨ ચમચી રાઈ

ચપટી જીરું

મીઠો લીંબડો

સુકું લાલ મરચું

થોડી હિંગ

૧ ચમચી હળદર

૧ મોટી ચમચી લાલ મરચું

૧/૨ ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

૨ ચમચી ગોળ

લીંબુ નો રસ (જરૂર લાગે તો )

લોટ બાંધવા માટે

૨ કપ ઘઉં નો લોટ

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી અજમો

૧ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી હળદર

૧.૫ ચમચી તેલ

પાણી જરુર પ્રમાણે

રીત :

1)સૌથી પહેલા લોટ માં બધા મસાલા અને તેલ  મિક્ષ કરી લો હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ એનો પરોઠા જેવો લોટ બાંધીને દો હવે આને ઢાંકીને ૫ મિનીટ રહેવા દો

2) કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દો એમાં રાઈ,જીરું ,મરચું અને હિંગ નાખી વઘાર તૈયાર કરી લો ,હવે એમાં પાણી ,બધા મસાલા અને વધેલી દાળ એડ કરી ઉકળવા દો

3) બાંધેલા લોટ માંથી પાતળી મોટી રોટલી વણી લો અને એને કાપી લો

4) દાળ અને પાણી ઉકળવાનું શરુ થાય એટલે એમાં કાપેલી ઢોકળી એડ કરતા જાવ ,બધી ઢોકળી એડ કરીને એને ૪-૫ મિનીટ આમ જ ઉકળવા દો પછી કુકરનું ઢાંકણું બંધ કરીને એની ૨ વ્હીસલ કરી લો

5) કૂકર ઠંડુ થઈ જાય એટલે ઢોકળી માં જો લીંબુ નો રસ એડ કરવો હોય તો એ એડ કરી ઢોકળીને સર્વ કરો

નોંધ :  

આ દાળ ઢોકળી બનાવવા તમે લીંબુ ની કે ટામેટાની કોઈ પણ ગુજરાતી દાળ વાપરી શકો છો પણ જો તમે દાળ આંબોળીયા ,આંબલી કે કાચી કેરી ની ગુજરાતી દાળ બનાવી હોય તો એમાં થી દાળ ઢોકળી બનાવતી વખતે તમારે ૧-૨ સીટી વધારે કરવી પડશે કમક એમાં ખટાશ વધારે હોય એટલે ઢોકળી ને ચઢતા વાર લાગે

Watch This Recipe on Video