ફરસાણની દુકાનમાં મળે એવા સેન્ડવીચ ઢોકળા હવે સરળ રીતે ઘરે બનાવો ||Sandwich Dhokla|Gujarati nasta

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ફેમસ ગુજરાતી ફરસાણ સેન્ડવીચ ઢોકળા આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને બહાર જેવા જ સરસ ટેસ્ટી અને પોચા ઢોકળા આપણે ઘરે બનાવી શકીએ છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારી નો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૫ – ૨૦ મિનીટ

સર્વિંગ – ૪ વ્યક્તિ

સામગ્રી :

ચટણી બનાવવા માટે :

૧૦૦ ગ્રામ કોથમીર

૮ – ૧૦ મીઠા લીંબડાના પાન

૩ – ૪ લીલા મરચા

૧ ચમચી સીંગદાણા

૧ ચમચી ખાંડ

થોડું જીરું

મીઠું

પાણી

વઘાર માટે :

૧/૪ કપ તેલ

૩ – ૪ લીલા મરચા

મીઠો લીંબડો

૧ ચમચી રાઇ

૨ ચમચી તલ

હિંગ

૧ મોટો વાટકો ઈડલી – ડોસાનું ખીરું

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા ચટણી બનાવવા માટેની બધી સામગ્રી મિક્ષરમાં લઇ એને અધકચરું વાટી લો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી સરસ પેસ્ટ બનાવી લો

2) હવે જે ખીરું લીધું છે એમાંથી થોડું ખીરું એક તેલ લગાવેલી થાળીમાં લઇ પાથરી દો બહુ જાડું લેયર નથી કરવાનું

3) કડાઈમાં પાણી ગરમ કરવા મુકો પાણી ઉકળવાનું શરુ થાય એટલે કાણાવાળી જાળી મુકી તેના પર આ થાળી મુકો, ઢાંકણ ઢાંકી મીડીયમ ગેસ પર આને ૪ – ૫ મિનીટ બફાવા દો

4) એક વાટકામાં થોડું ખીરું લઇ એમાં લીલી બનાવેલી ચટણી મિક્ષ કરો જો કલર નાખવો હ્પ્ય તો પણ નાખી શકો

5) ઢોકળા જે બફાયા છે તેના પર આ લીલું ખીરું પાથરી દો આનું પાતળું લેયર કરવાનું છે અને ફરી ઢાંકીને ૨ મિનીટ બફાવા દો

6) ૨ મિનીટ પછી આના પર સફેદ ખીરું પાથરો નીચે નું સફેદ લેયર અને ઉપરનું સફેદ લેયર સરખા હોવા જોઈએ, પછી એને ઢાંકીને ફરી ૪ – ૫ મિનીટ કે ઢોકળા બફાય ત્યાં સુધી રાખો, ઢોકળા બફાયા છે કે નહિ એ ચેક કરવા ચપ્પુ એમાં નાખીને જોવું જો એ ચોખ્ખું નીકળે તો સમજવું કે થઇ ગયા

7) આ ઢોકળાને ૧૫ – ૨૦ મિનીટ કે કલાક ઠંડા થવા દો પછી એને કટ કરો આ રીતે સરસ તમને એને લેયર દેખાશે

8) હવે આનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એમાં રાઇ,લીલા મરચા ,હિંગ, લીંબડો અને તલ ઉમેરી દો હવે આ વઘાર ઢોકળામાં નાખો અને મિક્ષ કરી લો, તેના પર થોડી સમારેલી કોથમીર નાખવી

9) હવે આ ટેસ્ટી સેન્ડવીચ ઢોકળા સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video