ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી લાઇવ ગાંઠીયાનું શાક|Gathiya nu shak|Gujarati subji|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું “કાઠીયાવાડી સ્ટાઇલ લાઇવ ગાંઠીયા નું શાક”, આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે જ એને બનાવવામાં સમય પણ ઓછો જાય છે, જયારે બાળકોને કોઈ શાક ના ભાવતું હોય કે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આવી રેસીપી ખુબજ ઉપયોગી રહે છે, ઘણી વાર એવું બને કે અચાનક મહેમાન આવી જાય અને ફટાફટ કોઈ શાક બનાવવું હોય ત્યારે પણ તમે આ બનાવી શકો છો, આ શાકને તમે રોટલી , પરોઠા કે પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો સરસ આવું ટેસ્ટી શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ .

તૈયારી નો સમય – ૫ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૨ છીણેલા ટામેટા

૧/૨ વાટકી દહીં

સમારેલા લીલા મરચા

૩ – ૪ ચમચી તેલ

૨ ચમચી લાલ મરચું

૧ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી હળદર

૧/૨ ચમચી રાઈ

ચપટી જીરું

ચપટી હિંગ

સમારેલી કોથમીર

પાણી જરુર પ્રમાણે

મીઠું સ્વાદ પ્રમાણે

ગાંઠિયા બનાવવા :

૧/૨ વાટકી ચણાનો લોટ

ચપટી અજમો

ચપટી મીઠું

ચપટી હળદર

થોડું પાણી

રીત :

1) એક વાટકામાં ચણાનો લોટ , હળદર , અજમો અને પાણી નાખી જાડું ખીરું બનાવી લો ત્યારબાદ એમાં ચપટી જેટલું મીઠું ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો.

2) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, લીલા મરચા ,મીઠો લીંબડો ,હળદર અને હિંગ નાખો,હવે એમાં ટામેટાની પ્યુરી નાખી સહેજ વાર સાંતળો ત્યારબાદ એમાં મીઠું , મરચું અને ધાણાજીરું ઉમેરી ગ્રેવીને સાંતળો.

3) આ રીતે તેલ ઉપર આવે એટલે એમાં વલોવેલું દહીં ઉમેરો અને એને સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ના જાય .દહીં ગરમ થાય ત્યાં સુધી હલાવવું હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી આ રસાને ઉકાળો

4) ગ્રેવીને ૨ – ૩ મિનીટ ઉકળવા દો ત્યારબાદ એમાં ગાંઠિયા પાડો, ગાંઠિયા પાડવા આ રીતનો ઝારો લઇ તેના પર થોડું તેલ લગાવી પછી હાથથી ઝારા પર લોટ ઘસતા જઈ ગાંઠિયા પાડો

5) હવે આ ગાંઠિયાને ૨ મિનીટ ખુલ્લા ચઢવા દો ત્યારબાદ ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ૮ – ૧૦ મિનીટ માટે ચઢવા દો .

6) ગાંઠિયા ચઢી જાય અને આ રીતે તેલ ઉપર આવે એટલે એમાં થોડો ગરમ મસાલો અને સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી ગેસ બંધ કરી દો .

7) આ સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર લાઇવ ગાંઠિયાનું શાક સર્વિંગ માટે તૈયાર છે .

નોધ :

  1. આ જ ગ્રેવીમાં તમે તૈયાર ગાંઠિયા નો ઉપયોગ પણ કરી શકો તો એમાં ફક્ત તમારે ગ્રેવી બનાવીને તૈયાર કરવી અને સર્વિંગ ના સમયે એમાં ગાંઠિયા નાખી સર્વ કરો .
  2. તમારે જો આ શાકમાં ટામેટા ના નાખવા હોય તો એકલા દહીં થી પણ ગ્રેવી બનાવી શકો એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે .

Watch This Recipe on Video