ઘરે પરફેક્ટ મોઝરેલા ચીઝ બનાવવું ખુબ જ સરળ છે એને પરફેક્ટ બનાવા માટે અમુક ટીપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે જે હું રેસીપી દરમિયાન જણાવતી જઈશ .મોઝરેલા ચીઝ ને પીઝા ચીઝ પણ કહેતા હોય છે અને બહારથી જે ચીઝ આપણે લાવીએ છે તે ખુબ મોંધુ તો હોય છે સાથે ઘણી જગ્યાએ વેજ ચીઝ નથી મળતું તો ત્યારે આવી રેસીપી ખુબ જ ઉપયોગી રહે છે સાથે ઘણા લોકો બહારની કોઈ પણ ખાતા નથી હોતા ખાસ કરીને જે ચુસ્ત જૈન ,સ્વામિનારાયણ કે વૈષ્ણવ ધર્મ પાળે છે તો એ લોકોને આ રેસીપી ખુબજ ઉપયોગી થશે .
તૈયારી નો સમય – ૨ મિનીટ
બનાવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ – ૧૦૦ ગ્રામ
સ્ટોર કરવાનો સમય – એક અઠવાડિયું ( ફ્રીજમાં )
સામગ્રી :
- ૧ લીટર ગાય નું ફૂલ ફેટનું દૂધ
- ૨ ચમચી સફેદ વિનેગર
- ૨ ચમચી પાણી
- ચપટી મીઠું
ચીઝ બનાવાની રીત :
- સૌથી પહેલા એક વાસણમાં ગાય નું દૂધ લઈ એને ગાળી લો ,દુધને ગરમ કરવા મુકો અને આ દૂધ ને નવશેકું જ ગરમ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું ,જેવું દૂધનું ટેમ્પરેચર બદલાવાનું શરુ થાય ગેસ બંધ કરી દેવો .

2) એક વાટકીમાં વિનેગર , મીઠું અને પાણી મિક્ષ કરો , દુધને નીચે ઉતારીને તેમાં વિનેગરનું મિશ્રણઉમેરો , આ પાણી ધીરે ધીરે ઉમેરતા જવું અને હલ્કા હાથે હલાવતા રહેવું .

3) આ રીતનું ટેક્ષ્ચર આવવું જોઈએ ,જરૂર લાગે તો થોડું બીજું વિનેગરનું મિશ્રણ બનાવી ઉમેરી શકો .

4) એક વાસણમાં ગરમ પાણી લેવું અને તૈયાર થયેલું ચીઝ એમાં નાખી ચમચાની મદદથી દબાવતા જાવ જેથી વિનેગર નો ટેસ્ટ અને સ્મેલ ના રહે .

5) બીજા એક વાસણમાં બરફનું ઠંડુ પાણી લો હવે ચીઝને ગરમ પાણી માંથી કાઢી તરત ઠંડા પાણીમાં નાખો સરસ રીતે એને દબાવીને મસળો , આ પ્રોસેસ તમારે ૪ – ૫ વાર કરવાની ,જો ગરમ પાણી ઠંડું થઈ જાય તો ફરી ગરમ કરી લેવું અને જો ઠંડુ પાણી ગરમ થઈ જાય તો એમાં થોડો બરફ ઉમેરી દેવો .

6) ૪ – ૫ વાર આ પ્રોસેસ કર્યા પછી એને ચોખ્ખા પાણીથી એકવાર ધોઈને એક ડબ્બામાં મૂકી ફ્રીજમાં ૩ – ૪ કલાક માટે મૂકી દો .

7) આ ચીઝ ને જયારે પણ ઉપયોગમાં લેશો એ સરસ રીતે બહારના ચીઝ જેવું મેલ્ટ થઈ જશે , આ ચીઝને તમે ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો .

નોંધ :
- દૂધ છુટું મળે એ ઉપયોગમાં લેશો એકદમ આવું પરફેક્ટ રીઝલ્ટ મળશે
- દૂધ કાચું જ ઉપયોગમાં લેવાનું છે ,ગરમ કરેલું દૂધ આમાં નહિ ચાલે .
- દૂધ વધારે ગરમ ના થઇ જાય એનું ધ્યાન રાખવું નહિ તો એમાંથી પનીર બની જશે .
- બને ત્યાં સુધી વિનેગરનો જ ઉપયોગ કરજો ,લીંબુ થી આટલું પરફેક્ટ રીઝલ્ટ નહિ મળે .