હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું માવાના ગુલાબજાંબુ , ગુલાબજાંબુ દરેકના ઘરમાં ખુબજ ભાવતા હોય છે અને જયારે કોઈ તહેવાર હોય ત્યારે તો આ અચૂક બને , ઘણા જનરલી ગુલાબજાંબુ રેડી પેકેટના બનાવે અથવા તો મીઠાઈવાળાના ત્યાં થી તૈયાર લાવે તો આજે હું તમને એકદમ સરળ રીતે અને એકદમ પરફેક્ટ માવાના ગુલાબજાંબુ ઘરે બનાવતા શીખવાડીશ જેથી હવે મીઠાઈવાળાના ત્યાંથી આ લાવવાના બદલે તમે જાતે ઘરે જ આને બનાવી શકો , તો એને પરફેક્ટ બનાવવા માટે જે પણ ટીપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે એ મેં દરેક એના સ્ટેપ દરમિયાન જણાવ્યું છે તો એ જરૂર ધ્યાનમાં રાખજો .
સામગ્રી :
૨૫૦ ગ્રામ ગુલાબજાંબુ નો સ્પેશિયલ માવો ( હરિયાલી માવો )
૫૦૦ મિલી ફૂલ ફેટ નું દૂધ
૧ ચમચી સોજી + ૨ ચમચી પાણી
૨ – ૩ ચમચી મેંદો
૨ ચમચી મિલ્ક પાવડર
૨ ચમચી પાણી + ૨ ચમચી સફેદ વિનેગર
૩૦૦ ગ્રામ ખાંડ
૧.૫ કપ પાણી ( ચાસણી માટે )
૧/૨ ચમચી ઈલાઈચી અને જાયફળ નો પાવડર
૧૫ – ૨૦ તાંતણા કેસર
ગુલાબજાંબુ બનાવાની રીત :
1)સૌથી પહેલા એક તપેલીમાં ફૂલ ફેટનું દૂધ લઇ એને ગાળીને ગરમ કરવા મુકો , દુધમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો અને દુધને ચમચાથી સતત ૧ મિનીટ સુધી હલાવતા રહો જેથી દૂધ ૨૦ % જેવું ઠંડુ થઇ જશે ત્યારબાદ એમાં વિનેગર અને પાણી મિક્ષ કરીને નાખો અને દુધને હલ્કા હાથે હલાવતા જાવ દૂધ માંથી પનીર અને પાણી અલગ થાય એટલે એને એક કાણાવાળા વાટકામાં કોટનનું પાતળું કપડું મૂકી કાઢી લો , હવે તૈયાર પનીરને ચોખ્ખા પાણીથી ૨ – ૩ વાર ધોઈ લો જેથી વિનેગર નો ટેસ્ટ જતો રહે .

2) હવે જે કપડું આપણે ઉપયોગમાં લીધું છે એમાંથી સરસ રીતે પનીરને દબાવી વધારાનું પાણી કાઢી લો ,ત્યારબાદ કપડાની ગાંઠ મારી એના ઉપર કંઇક વજન મૂકી એને અડધો કલાક એકબાજુ રહેવા દો , જેથી જે પણ થોડું પાણી રહ્યું હશે એ નીતરી જશે .

3) હવે એક વાટકીમાં સોજી અને પાણી મિક્ષ કરી ૫ – ૧૦ મિનીટ માટે પલાળડીને રાખો.

4) ગુલાબજાંબુ માટે જે માવો લીધો છે એને હાથથી સહેજ છુટ્ટો કરી પછી હથેળીની મદદથી સરસ એને ૪ – ૫ મિનીટ મસળો , ત્યારબાદ જે પનીર બનાવ્યું છે એને પણ એ જ રીતે છુટ્ટું કરી મસળી લેવું પનીરમાં થોડું એકરસ થાય ત્યાં સુધી મસળવું .

5) હવે પનીર અને માવો બન્ને મિક્ષ કરી ફરી ૨ મિનીટ મસળો કે જ્યાં સુધી પરોઠાના લોટ જેવું તેક્ષ્ચર ના આવે , આ રીતે લોટ જેવું બંધાઈ જાય એટલે એને કોટનના થોડા ભીના કપડાથી ઢાંકીને એના ઉપર એક વાટકો મુકી દો જેથી આ સુકાઈ ના જાય .

6) હવે ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મુકો એ થોડું ગરમ થયા એટલે એમાં ૧ – ૨ ચમચી દૂધ ઉમેરી એને ઉકળવા દો જેમ જેમ આ પાણી ઉકળશે એમ ખાંડ જે પણ મેલ હશે એ ઉપર આવી જશે , આ રીતે બધો મેલ ઉપર આવે એટલે ચમચા કે ચમચીની મદદથી બહાર લઇ લો હવે આ ચાસણી એકદમ સરસ ચોખ્ખી થઇ જાય એટલે એમાં ઈલાઈચી અને જાયફળનો પાવડર અને થોડું કેસર ઉમેરી દો , ત્યારબાદ આ ચાસણીને ફાસ્ટ ગેસ પર ૩ – ૪ મિનીટ ઉકાળો , આ ચાસણી થઇ છે કે નહિ એ ચેક કરવા માટે ડીશમાં થોડી ચાસણી લઇ ઠંડી થવા દો ત્યારબાદ તમે એને બે આંગળીની વચ્ચે લેશો એટલે એ તમને થોડું ચીકણું લાગશે , આમાં કોઈ તાર નથી બનાવાના , હવે ગેસ બંધ કરી દેવો .

7) જે માવો આપણે ઢાંકીને રાખ્યો હતો એને એકવાર મસળી એમાંથી મીડીયમ સાઈઝના ગોળા બનાવો .

8) હવે આને તળવા માટે ચોખ્ખું ઘી ગરમ કરવા મુકો , ઘી થોડું જ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા ગોળા મુકો અને આને એકદમ ધીમા ગેસ પર તળવાના છે , આને તળવામાં સહેજ પણ ઉતાવળ ના કરવી નહિ તો ઉપર થી સરસ તળાયેલા લાગશે અને અંદરથી કાચા રહેશે .

9) ગુલાબજાંબુ સરસ આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા , હવે આને ઘીમાંથી કાઢી તરત જ બનાવેલી ચાસણીમાં નાખી દેવા , આ સમયે ચાસણી થોડી નવશેકી ગરમ હોવી જોઈએ .

10) બધા ગુલાબજાંબુ તૈયાર થઇ જાય એટલે એને ઢાંકીને ૨ – ૩ કલાક માટે રહેવા દો , જેથી ચાસણી સરસ રીતે જાંબુમાં જાય .

11) ૩ કલાક પછી આ ગુલાબજાંબુ બનીને તૈયાર છે આનું તેક્ષ્ચર પણ સરસ આવ્યું છે અને તમે જોઈ શકો છો કે એમાં ચાસની છેક અંદર સુધી ગઈ છે સહેજ પણ આ કોરું નથી કે વચ્ચે કઠણ પણ નથી

12) આ સરસ મજાના માવાના ગુલાબજાંબુ સર્વિંગ માટે તૈયાર છે , આને તમે ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો .
