કુકરમાં ફક્ત ૧૦ મીનીટમાં ખાંડવી બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત | Khandvi in Pressure Cooker | Patudi

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે ગુજરાતી ફેમસ ફરસાણ “ ખાંડવી “ જેને ઘણા પાટુડી કે દહીવડી પણ કહેતા હોય છે આ બેસનમાંથી બને છે આને એકદમ ટેસ્ટી હોય છે ટ્રેડીશનલી આ ખાંડવી કડાઈમાં બનાવતા હોઈએ છે પણ એમાં વધારે સમય પણ લાગે છે અને મહેનત પણ થોડી વધારે લાગે છે તો ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં ખાંડવી કેવી રીતે બનાવવી એ જોઈશું તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૨ – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ  – ૩- ૪ વ્યક્તિ

સામગ્રી :

૧ કપ બેસન

૩/૪ કપ દહીં

૧ + ૧/૪ કપ પાણી

ચપટી હળદર

મીઠું

વઘાર કરવા માટે :

૨ ચમચી સીંગતેલ

૧/૨ ચમચી રાઇ

૧/૨ ચમચી તલ

૨ સમારેલા લીલા મરચા

મીઠો લીંબડો

ગાર્નીશિંગ માટે :

કાશ્મીરી મરચું

વઘાર

છીણેલું ટોપરું

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા બેસનને ચાળી લો પછી એને કપ કે વાટકીમાં ભરી લો અને એક તપેલીમાં લઇ લો

2) હવે જે કપ કે વાટકીના માપથી લોટ લીધો હોય એ જ માપ થી પોણો કપ દહીં લો એની સાથે જ પહેલા ૧ કપ પાણી ઉમેરો અને પાણી ધીરે ધીરે ઉમેરતા જાવ અને મિક્ષ કરતા જાવ.

3) ફરી બીજું ૧/૪ કપ પાણી ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો જાડી છાસ જેવું આ રહેશે, હવે એમાં હળદર અને મીઠું નાખી મિક્ષ કરી લો.

4) હવે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મુકો એમાં એક સ્ટેન્ડ કે કાઠલો મુકી એના પર તપેલી મુકી દો , તપેલીની ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ ગેસ પર આની ૫ – ૬ વ્હીસલ કરી લો.

5) હવે કુકર ઠંડુ થાય એટલે એને ખોલી તપેલી બહાર કાઢી લો અને હવે આ ખીરાને એકદમ ઝડપથી હલાવી લો જેથી એ એકદમ સરસ મિક્ષ થઇ જાય.આ રીતનું સ્મૂથ તેક્ષ્ચર હોવું જોઈએ.

6) ખાંડવી બનાવવા માટે તમે આ ખીરું કિચન પ્લેટફોર્મ પર કે થાળી પર પાથરી શકો તો અત્યારે આપણે બન્ને રીતે ખીરું પાથરી દઈશું,થાળી પર કે પ્લેટફોર્મ પર તેલ નથી લગાવવાનું.થાળીમાં આગળ અને પાછળ બંને બાજુ ખીરું લગાવી શકાય.

7) બે મિનીટ માં આ ખીરું ઠરી જશે પછી એને કટ કરો અને શરૂઆતમાં ચપ્પાની મદદથી એક ફોલ્ડ કરો પછી હાથથી એનો રોલ વાળતા જાવ,એ જ રીતે થાળીમાં જે ખીરું ખીરું પાથર્યું છે એને પણ કટ કરી રોલ વાળી લો.

8) આનો વઘાર તૈયાર કરવા માટે વઘારીયામાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખો પછી ગેસ ધીમો કરી એમાં તલ  , સમારેલા લીલા મરચા અને લીંબડો નાખી ગેસ બંધ કરી દો (હિંગ નાખવી હોય તો પણ નાખી શકો)

9) હવે ખાંડવીને સર્વિંગ પ્લેટમાં લઇ એના ઉપર કાશ્મીરી મરચું છાંટો પછી જે વઘાર તૈયાર કર્યો છે એ નાખો અને એના ગાર્નીશિંગ માટે છીણેલું ટોપરું અને કોથમીર નાખો

10) હવે આ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ સાથે જ ફટાફટ બની જતી ખાંડવી સર્વિંગ માટે તૈયાર છે.

નોંધ :

બેસન હંમેશા ચાળીને વાપરવું જેથી ખીરું સરસ બને , રસોઈ શીખો છો અને જો ખીરું બનાવતા નથી ફાવતું તો છેલ્લે હેન્ડ બ્લેન્ડર થી મિક્ષ કરી લેજો , જો કુકરની સીટી ફટાફટ થતી હોય તો ગેસ થોડો ધીમો રાખવો અને ૨ – ૩ સીટી વધારે કરવી,ખીરું બફાઈ જાય પછી ની જે પ્રોસેસ છે ખીરું પાથરવાની એ ઝડપથી કરવી ખીરું ઠંડુ થઇ જશે તો સરસ પથરાશે નહિ , વઘારમાં સીંગતેલનો ટેસ્ટ ખુબજ સરસ લાગશે.

Watch This Recipe on Video