પારણાનાં દિવસે બનતું પતરાળીનું શાક | Patrali nu Shak | Patrali Subji | Gujarati Subji | Mix Vegetable Subji

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું “ પતરાળી નું શાક “ , આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણાના દિવસે ભગવાનને ધરાવા બનાવવામાં આવે છે આમાં ૩૨ જાત ના શાકનો ઉપયોગ કરવામાં જેમાં બધા શાક,દાણા અને ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે આ ટેસ્ટમાં તો સરસ લાગે જ છે સાથે જ હેલ્ધી પણ ખુબજ છે આને તમે રોટલી , પરોઠા કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૨૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૨ – ૧૫ મિનીટ

સર્વિંગ – ૫ – ૬ વ્યક્તિ

સામગ્રી :

બટાકું

સુરણ

શક્કરીયું

ગવાર

ચોળી

ફણસી

કોબીજ

પાપડી

ટીન્સા

પરવળ

કારેલું

કંકોડા

ભીંડા

કાકડી

દુધી

ટામેટા

ગાજર

તુરીયા

ગલકા

લીલા મરચા

પાપડીના દાણા

તુવેરના દાણા

વટાણા

મેથીની ભાજી

કોથમીર

પાલક

તંદલ્જો

સુવા

અળવીના પાન

મૂળાની ભાજી

બીજી સામગ્રી :

૩ ચમચી તેલ

૩ ચમચી ચોખ્ખું ઘી

૧/૨ ચમચી રાઇ

થોડું જીરું

થોડો અજમો

હિંગ

૧/૨ ચમચી હળદર

૨ ચમચી ધાણાજીરું

૧ – ૨ ચમચી લાલ મરચું

૧ ચમચી ખાંડ

૧/૨ ચમચી ગરમ મસાલો

રીત :

1) સૌથી પહેલા જે દાણા લીધા છે એને ૩ – ૪ મિનીટ માટે બાફી લઈશું જો તાજા દાણા લીધા હોય તો એને બાફ્વાની જરૂર નથી (મેં અહી ફ્રોઝન લીધા છે)

2) બધું શાક ઝીણું સમારીને તૈયાર કરી લો , દાણા સાફ કરી લો અને ભાજીને પણ સાફ કરી ધોઈ ઝીણી સમારી લો

3) હવે એક જાડા તળિયાવાળી કડાઈ લઇ લો એમાં તેલ અને ઘી ગરમ કરવા માટે મુકો , ગરમ થાય એટલે એમાં રાઇ , જીરું અને અજમો ઉમેરો પછી એમાં હિંગ , હળદર અને સમારેલું લીલું મરચું ઉમેરો

4) જે શાક સમારીને રાખ્યું છે એ પહેલા એમાં નાખો બધું શાક નાખી એકવાર હલાવી લો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરો અત્યારે બીજા કોઈ જ મસાલા નથી કરવાના

5) આના પર ઢાંકણ ઢાંકીને એને મીડીયમ ગેસ પર ચઢવા દો જો આવી કડાઈ ના હોય અને તાસળામાં બનાવતા હોય તો ઉપર થાળી મૂકી એમા પાણી મુકીને પણ શાક બનાવી શકો, વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું

6) શાક ૭૦ – ૮૦ % જેવા ચઢે એટલે એમાં બાફેલા દાણા અને સમારેલી ભાજી નાખવી અને સરસ રીતે મિક્ષ કરી લેવું

7) શાક બધું સરસ ચઢી જાય એટલે એમાં બાકીના મસાલા કરો અને મિક્ષ કરી ફરી ૧ – ૨ મિનીટ માટે ઢાંકીને ચઢવા દો

8) પછી એમાં સમારેલા ટામેટા નાખો , ટામેટા થોડા પોચા પડે ત્યારબાદ તેમાં ખાંડ અને ગરમ મસાલો નાખી મિક્ષ કરી ધીમા ગેસ પર સહેજ વાર ચઢવા દો

9) ઘી ઉપર આવતું દેખાય એટલે ગેસ બંધ કરી શાકને ઢાંકીને સીઝવા દો

10) ૧૦ મિનીટ પછી શાકને સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો

Watch This Recipe on Video