નવતાડ ના સમોસા સાથે તેની સ્પેશિયલ ચટણી | Navtad Samosa with Special Chutney | Aloo Patti Samosa

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમદાવાદના નવતાડના ફેમસ સમોસા આ સમોસા ત્રણથી ચાર અલગ અલગ સ્ટફિંગ માં મળતા હોય છે જેમ કે ચણાની દાળ , બટાકા , વટાણા અને ચણાની દાળ તો આજે આપણે બટાકાના સ્ટફિંગ વાળા સમોસા બનાવીશું આ સમોસા જેટલા ફેમસ છે એટલી જ એની સાથે જે ચટણી સર્વ થાય છે જેને લચકો ચટણી થાય છે એ પણ એટલી જ ફેમસ છે આજે આપણે આ સમોસા જે તૈયાર સમોસા પટ્ટી મળે છે એનો ઉપયોગ કરીને બનાવીશું જેનાથી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં આ સમોસા બનીને તૈયાર થઇ જશે તો ચાલો સરસ મજાના આવા ટેસ્ટી સમોસા અને લચકો ચટણી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ : 12થી 14 સમોસા

સામગ્રી :

લચકો ચટણી બનાવવા માટે :

3/4 વાટકી ગાંઠિયા નો ભૂકો

15 થી 20 ફુદીનાના પાન

૩-૪ લીલા મરચા

ચપટી લીંબુ ના ફૂલ

થોડું મીઠું

૧ ચમચી ખાંડ

પાણી જરૂર પ્રમાણે

સમોસા બનાવવા માટે :

તૈયાર સમોસા પટ્ટી

૪ બાફેલા બટાકા

૧/૪ ચમચી આમચૂર પાવડર

૧/૪ ચમચી ચાટ મસાલો

સ્વાદ પ્રમાણે મીઠું

૧ ચમચી વાટેલા લીલા મરચા

થોડી કોથમીર

૧/૨ ચમચી ગરમ મસાલો

૧/૨ ચમચી ધાણાજીરૂ

ચપટી હળદર

૧ ચમચી બૂરુ ખાંડ

૧/૨ ચમચી લાલ મરચું

તેલ સમોસા તળવા માટે

મેદા ની પેસ્ટ બનાવવા માટે :

૨ ચમચી મેંદો

જરૂર પ્રમાણે પાણી

રીત :

1) માવો બનાવવા માટે એક વાટકામાં બાફેલા બટાકાનો માવો અને બધા મસાલા ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો ધ્યાન રાખવું કે સ્ટફિંગ એકદમ કોરું હોવું જોઈએ એમાં પાણીનો ભાગ ના હોય

2) હવે મેંદાની પેસ્ટ બનાવવા માટે એક વાટકીમાં મેંદો અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવીને તૈયાર કરો

3) હવે આ રીત ની સમોસા પટ્ટી માર્કેટમાં તૈયાર મળતી હોય છે આ તમને કોઈપણ સુપર માર્કેટમાં કે ઓનલાઇન મળી જશે એમાંથી પટ્ટી લઇ એને થોડા ભીના કપડામાં ઢાંકીને રાખવી જેથી તે સૂકાય જાય

4) હવે એક પટ્ટી લઇ એને ફોટા માં બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરો આ રીતે વી શેપ બને એટલે માં બનાવેલું સ્ટફિંગ ભરો

5) પછી ફરીથી સમોસા ને ફોલ્ડ કરી છેલ્લા ભાગ ઉપર મેંદાની પેસ્ટ લગાવો અને સમોસા ને સરસ રીતે સીલ કરી દો આ રીતે સરસ ત્રિકોણ શેપ સમોસાનો આવવો જોઈએ

6) આજ રીતે બધા સમોસા બનાવીને તૈયાર કરવા અને એને થોડા ભીના કપડામાં ઢાંકીને રાખવા જેથી તે સૂકાય જાય

7) હવે સમોસા ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ થોડું જ ગરમ થાય એટલે એમાં બનાવેલા સમોસા નાખો અને એને ધીમા થી મીડીયમ ગેસ ઉપર તળો

8) થોડી-થોડી વારે આને ફેરવતા રહો સમોસા આવા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી અને તળવાના હવે એને પેપર નેપકીન ઉપર લઈ લઈશું

9) લચકો ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં ગાંઠિયા ના ભૂકા સિવાય બાકીની બધી વસ્તુ લઈ લો

10) હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને વાટી લો આ રીતે વટાઈ ને તૈયાર થાય એ પછી એમાં ગાંઠિયા નો  ભૂકો ઉમેરીને મિક્સરને વધારે ફેરવવાનું નથી ફક્ત મિક્સર ચાલુ કરીને બંધ કરી દેવું એટલે એકાદ સેકન્ડ જ મિક્સર ચાલુ રાખો જેથી ભૂકાની પેસ્ટ ના બની જાય આ કરકરું હોવું જોઈએ

11) આને એક વાટકામાં લઈશું હવે એમાં જરૂર પ્રમાણે બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી ને સરસ રીતે મિક્સ કરી લો એમાં જરૂર પડે તો થોડું મીઠું ઉમેરવું કેમકે ગાંઠિયામાં મીઠું હોય એટલે એ પ્રમાણે મીઠું નાખવું

12) હવે આ સમોસા બનીને તૈયાર છે જેને ખજૂર-આમલીની મીઠી ચટણી અને લચકો ચટણી સાથે સર્વ કરવા

Watch This Recipe on Video