લગ્નપ્રસંગમાં હોય એવી સરસ પોચી અને મસાલેદાર ફૂલવડી બનાવાની પરફેક્ટ રીત | Fulwadi | Masala Fulwadi

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ફેમસ ગુજરાતી નાસ્તાની રેસિપી “ ફૂલવડી “, ફૂલવડી માર્કેટમાં કડક અને પોચી એમ બે રીતની મળતી હોય છે જે પોચી ફૂલવડી હોય એ દહીંનો ઉપયોગ કરીને બનતી હોય છે જ્યારે જે કડક ફૂલવડી હોય એ લીંબુનાં ફૂલનો ઉપયોગ કરીને બનાવાય છે આજે આપણે દહીંનો ઉપયોગ કરીને પોચી ફૂલવડી કેવી રીતે બનાવવી એ જોઈશું અને તમે આને બનાવીને 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો આને તમે રૂટીન નાસ્તામાં કે દિવાળી જેવા તહેવારમાં પણ બનાવીને રાખી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 300 400 ગ્રામ ફૂલવડી

સામગ્રી :

200 ગ્રામ કરકરું બેસન

2 ચમચી ઝીણું બેસન

1 /2 વાટકી દહીં

1/2 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી હળદર

1.5 ચમચી લાલ મરચું

1.5 ચમચી તલ

ચપટી ખાવાનો સોડા

2 ચમચી ખાંડ

મીઠું સ્વાદ પ્રમાણે (લગભગ અડધી ચમચી)

1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા

1 ચમચી અધકચરા વાટેલા કાળા મરી

૨ નાની ચમચી તેલ

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં લોટ અને તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરી દો હવે એને સરસ રીતે મિક્સ કરો જેથી ખાંડ સરસ રીતે ઓગળી જાય

2) ખાંડ ઓગળી જાય એ પછી એમાં ૨ નાની ચમચી તેલ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો

3) ત્યારબાદ એમાં લોટ ઉમેરો અને મિક્સ કરી લો

4) આમાં બીજું પાણી ઉમેરવાની જરૂર નહીં પડે દહીં અને ખાંડ ના પાણીથી જ આનો લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે લોટની ઉપર થોડું તેલ લગાવીને અને બે થી ત્રણ કલાક માટે ઢાંકીને રાખો

5) 2 કલાક પછી ફૂલવડી બનાવતા પહેલા લોટમાં 3 ચમચી જેટલું ગરમ તેલ નાખી સરસ રીતે મિક્સ કરી લો

6) હવે ફૂલવડી તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો અને ફૂલવડી માટેનો આવો ઝારો માર્કેટમાં મળતો હોય છે તો એ ઝારા નો ઉપયોગ કરીને આપણે ફૂલવડી બનાવીશું એને કડાઈ ઉપર મુકો અત્યારે ગેસ ધીમો રાખવાનો છે ઝારાની ઉપર લોટ મૂકીને હથેળીની મદદથી લોટને ઘસતા જાવ જેથી સરસ ફૂલવડી તેલમાં પડવા લાગશે

7) બધી ફૂલવાડી પડી જાય એ પછી એને મીડીયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે તળી લો તળેલી ફૂલવડી ને એક થાળીમાં લઈ લઈશું

8) હવે આ સરસ મજાની ફૂલવડી બનીને તૈયાર છે આ ઠંડી થાય એટલે તેને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video