શિયાળા માં ગાજર ખુબ જ સરસ મળતા હોય છે, તો આજે આપણેતેનાથી બનતી સ્વીટ માવા વાળો ગાજર નો હલવો બનાવીશું. આ સ્વીટ નાના અને મોટા દરેક ને ખૂબ જ પસંદ હોય છેઅને તે ગરમ અને ઠંડો બંને રીતે ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે, તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.
સામગ્રી :
૧ કિલો ગાજર
૨૦૦ ગ્રામ મોળો માવો
૧૫૦ ગ્રામ ખાંડ
૫૦૦ ગ્રામ ફૂલ ફેટ નું દુધ
૧ નાની ચમચી ઈલાઈચી અને જાયફળ નો પાવડર
૩ ચમચી સુકી દ્રાક્ષ
૫૦ ગ્રામ કાજુ અને બદામ
૨-૩ ચમચી ઘી
ગાર્નીશિંગ માટે થોડી સમારેલી બદામ અને પીસ્તા
રીત :
1) સૌથી પહેલા ગાજર ને ધોઈ છોલી અને છીણી લો અને મોળા માવા ને ધીમા ગેસ પર ૩-૪ મિનીટ શેકી લેવો

2) હવે કડાઈ માં ઘી મૂકી એ ગરમ થાય એટલે સુકી દ્રાક્ષ અને છીણેલા ગાજર ઉમેરો

3) હવે મીડીયમ ગેસ પર ગાજર ને ૭-૮ મિનીટ શેકી લો એને વચ્ચે વચ્ચે હલાવતા રહો

4) ગાજર ઘી માં સંતળાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને તેને ઉકળવા દો

5) દૂધ અડધું બળે એટલે ગેસ મીડીયમ કરી દેવો

6) દૂધ બળી જાય એટલે એમાં ખાંડ ઉમેરો અને ગેસ ઉતાવળો કરી દો(વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું જરૂરી છે)

7) ખાંડ નું પાણી બળવા આવે એટલે ઈલાઈચી અને જાયફળ નો પાવડર ઉમેરો

8) સમારેલા કાજુ અને બદામ ઉમેરો અને તેને સરસ રીતે મિક્ષ કરી દો

9) ખાંડ નુંપાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો

10) ગેસ બંધ કર્યા પછી પણ તેને સતત ૪-૫ મિનીટ હલાવતા રહેવું જેથી વરાળ નું પાણી ના બને

11) ૧૦-૧૫ મિનીટ પછી હલવોનવશેકો હોય ત્યારે આપણેજે માવો શેકી ને રાખ્યો હતો તેને હાથથી થોડો મસળી ને આમાં મિક્ષ કરી દઈશુ

12) હવે આ હલવા ને એક બાઉલ માં લઇ એના પર ગાર્નીશિંગ માટેસમારેલી બદામ અને પીસ્તા થી તેને ગાર્નીશ કરો

નોંધ:
ગાજર સરસ લાલ અને મીઠા હોય તેવા પસંદ કરવા, બને ત્યાં સુધી હળવો નોન સ્ટીક ની અથવા તો જાડા તળિયા વાળી કડાઈ માં બનાવવો.