હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એક ગુજરાતી ફેમસ ફરસાણ “ પાત્રા “ કે જેને “ પતરવેલીયા “ પણ કહે છે અને ગુજરાતની બહાર એને “ આલુ વડી “ કહે છે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને છે, પાત્રા બનાવવા માટે અળવીના પાન નો ઉપયોગ થતો હોય છે જેમાં ચણાના લોટનું ખીરું બનાવીને લગાડવામાં આવે છે અને ખીરામાં ખાટ્ટો ,મીઠો ,તીખ્ખો બધા ટેસ્ટનું કોમ્બીનેશન હોય છે જેથી ખુબજ સરસ લાગે છે આ ખીરું પાંદડા પર લગાવીને એક સ્પેશિયલ ટેકનીકથી એનો રોલ વાળવામાં આવે છે પછી એને બાફીને વાઘરવામાં આવે છે અને આનો પૂરો ટેસ્ટ ખીરાના મસાલા અને આના વઘાર પર રહેલો છે કેમકે આનો વઘાર પણ એક અલગ રીતથી કરવામાં આવે છે જેથી પાત્રા પરફેક્ટ અને ટેસ્ટી બને તો આને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને જેમ જેમ સ્ટેપ આવે એમ જણાવતી જઈશ જેથી તમારા પણ પાત્રા એકદમ સરસ અને પરફેક્ટ બને, તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
બનાવાનો સમય – ૨૦ – ૩૦ મિનીટ
સર્વિંગ – ૪ – ૫ વ્યક્તિ
સામગ્રી :
૨૫૦ ગ્રામ અળવીના પાન
૪૫૦ – ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
૧ ચમચી ધાણાજીરું
૧ – ૨ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
૩ ચમચી ખાંડ
૨ ચમચી દહીં
૩ ચમચી ખજુર આંબલીની ચટણી
પાણી (૧ કપ + ૧ – ૨ ચમચી)
વધાર માટેની સામગ્રી :
૪ – ૫ ચમચી તેલ
૧ ચમચી રાઇ
૨ ચમચી તલ
૩ – ૪ સમારેલા લીલા મરચા
મીઠો લીંબડો
૨ ચમચી ખાંડ
ચપટી મીઠું
ચપટી હળદર
ગાર્નીશિંગ માટે :
લીંબુનો રસ
સમારેલી કોથમીર
છીણેલું ટોપરું
રીત :
1) સૌથી પહેલા અળવીના પાન લઇ ધોઈને એની જાડી નસો કાઢી સાફ કરી લેવા (પાન બને ત્યાં સુધી એની કાળી નસો હોય એવા લેવા જો એવા ના મળે તો લીલી નસોવાળા લઇ શકો પણ એ નાની સાઈઝના લેવા નાના પાન કુણા હોય અને એમાં ખજૂરી પણ ના હોય અથવા ઓછી હોય.

2) ચણાના લોટ માં બધા મસાલા નાખી એમાં પાણી ઉમેરી એનું સરસ ખીરું બનાવીને તૈયાર કરવું, ખીરું વધારે જાડું પણ નહિ અને પાતળું પણ નહિ એવું બનાવવું.

3) જે પાંદડા સાફ કરીને રાખ્યા છે એની પાછળના ભાગમાં ખીરું લગાવવાનું છે તો પાંદડાને આ રીતે કિચન પ્લેટફોર્મ પર ઉંધા પાથરો એના ઉપર આ રીતે ખીરું લગાવતા જાવ ખીરું હલ્કા હાથે લગાવવું નહિ તો પાન તુટી જાય એક પણ પર ખીરું લાગી જાય એટલે બીજું પાન એનાથી ઉંધી સાઈડ ફેરવીને મુકવું જેથી એકબાજુ જાડો ભાગ અને એકબાજુ પાતળો ભાગ એવું ના થાય

4) આ રીતે ૪ – ૫ પાન પર ખીરું લગાવી દેવું , ત્યારબાદ એનો રોલ વાળવા માટે પહેલા એને બંને બાજુથી આ રીતે વાળો પછી એકબાજુથી આ રીતે ટાઈટ રોલ વાળતા જાવ બીજા છેડે આ રીતે રોલ કરી એને જોઈન્ટ કરી દો , રોલ ટાઈટ હોવો જરૂરી છે

5) ઢોકળીયામાં પાણી ગરમ કરવા મુકવું પાણી ઉકળે એટલે એના પર કાણાવાળી જાળી મૂકી સહેજ તેલ લગાવો અને જે રોલ બનાવીને તૈયાર કર્યા છે એને જાળી પર મૂકી દો,આનું ઢાંકણ ઢાંકી એને મીડીયમ ગેસ પર ૧૫ – ૨૦ મિનીટ માટે બફાવા દો.

6) ૨૦ મિનીટ પછી પાત્રા બફાયા છે કે નહિ એ ચેક કરવા એક ચપ્પુ લો અને એને રોલમાં નીચે સુધી જવા દો, ચપ્પુ ચોખ્ખું નીકળે મતલબ રોલ બફાઈ ગયા છે જો સહેજ લોટ ચપ્પા પર ચોટે તો એ લોટના મોઈશ્ચર ના લીધે હોય રોલ સીઝે એટલે સરસ થઇ જાય હવે ફરી ઢાંકણ અડધું ઢાંકી આ રોલને ૧૦ મિનીટ સીઝવા દો

7) ૧૦ મિનીટ પછી આ રોલને કટ કરો જો તમે સરસ ટાઈટ રોલ વાળ્યો હશે તો સરસ આવા રોલ કટ થશે.

8) આનો વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , મરચા,લીંબડો ,તલ ,હળદર અને હિંગ ઉમેરો એકવાર આને મિક્ષ કરી લો.

9) આ વઘારમાં ૧/૩ કપ જેટલું પાણી ઉમેરો સાથે ખાંડ અને મીઠું ઉમેરી મિક્ષ કરી લો અને ૨ – ૩ મિનીટ આ વઘારને ઉકળવા દો

10) હવે જે રોલને કટ કરીને રાખ્યો છે એને વઘારમાં ઉમેરો અને હલ્કા હાથે મિક્ષ કરી ધીમા ગેસ પર ૨ મિનીટ આને થવા દો જેથી બધો મસાલો પાંદડામાં સરસ ભળી જાય

11) હવે ગેસ બંધ કરી આને એક સર્વિંગ ડિશમાં લઇ લો તેના પર થોડો લીંબુનો રસ નાખો, સમારેલી કોથમીર અને છીણેલા ટોપરાથી ગાર્નીશ કરો.

12) હવે આ પાત્રા બનીને તૈયાર છે
