હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું આલુ ચીઝ ગ્રીલ સેન્ડવીચ , આ સેન્ડવીચ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને જેવી આપણે બહાર ખાઈએ છીએ એવી જ ઘરે ખુબજ ઓછા સમયમાં અને એકદમ પરફેક્ટ બનાવી શકીએ છે આને તમે બાળકોના લંચ બોક્ષમાં કે સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૪ – ૫ સેન્ડવીચ
સામગ્રી :
૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
મીઠું સ્વાદ પ્રમાણે
૧/૪ ચમચી ગરમ મસાલો
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
ચપટી હળદર
૧/૨ ચમચી ધાણાજીરું
૧/૪ ચમચી આમચુર પાવડર
થોડો ચાટ મસાલો
૧ ચમચી વાટેલા આદુ મરચા
સમારેલી કોથમીર
કિનારી કાપેલી બ્રેડ
બટર
ચીઝ
રીત :
1) સૌથી પહેલા બાફેલા બટાકાનો માવો કરી લો (જો જૈન છો તો બટાકાના બદલે કાચા કેળા બાફીને લઇ શકો) હવે એમાં બધા મસાલા અને સમારેલી કોથમીર ઉમેરી દો અને માવો સરસ રીતે મિક્ષ કરી દો.

2) હવે બ્રેડ પર બટર લગાવો પછી તેના પર બનાવેલો માવો પાથરો તેના પર બીજી બ્રેડ મુકો અને તેના ઉપર પણ બટર લગાવી દો અને હવે તેના પર ચીઝ છીણીને નાખો

3) હવે આ છીણેલા ચીઝ પર બીજી એક બ્રેડ મુકી એને હલ્કા હાથે દબાવી લો પછી તેના પર બટર લગાવો

4) એક ગ્રીલ પેન ગરમ કરવા મુકો પેન ગરમ થાય એટલે બટર લગાવેલો ભાગ નીચે જાય એ પ્રમાણે સેન્ડવીચ પેનમાં મુકો અને તેના પર થોડું વજન મુકો જેથી સરસ ગ્રીલ થાય એને મીડીયમ ગેસ પર શેકવું

5) એકબાજુ શેકાઇ જાય એટલે બીજી બાજુ ફેરવતા પહેલા ઉપરની બાજુ પર બટર લગાવી દેવું, સેન્ડવીચને બીજી બાજુ ફેરવી તેના પર ફરી વજન મુકી મીડીયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો, બંને બાજુ સરસ ક્રિસ્પી શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો

6) હવે સેન્ડવીચને ધારવાળા ચપ્પાની મદદથી કટ કરી લો (તમારે સેન્ડવીચને ઇલેક્ટ્રિક ગ્રીલરમાં શેકવી હોય તો પણ શેકી શકો)

7) હવે આ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી સેન્ડવીચ સર્વિંગ માટે તૈયાર છે એને તમે કેચપ કે ચટણી સાથે સર્વ કરી શકો.
