આજે આપણે બનાવીએ લીલવાની કચોરી ,જનરલી લીલવાની કચોરી નું બહાર નું પડ મેંદાનું હોય છે અને મેંદો ઘણાં નથી ખાતા કે ઘણાં ને માફક નથી આવતો હોતો તો આજે હું તમને લીલવા ની કચોરી નું બહાર નું પડ ઘઉં ના લોટ માંથી સરસ ક્રિસ્પી કેવી રીતે બનાવવું તે શીખવાડવાની છું,આ કચોરી ટેસ્ટ માં અને ટેક્ષ્ચર ખૂબ જ સરસ બને છે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ
સામગ્રી :
- ૪૦૦ ગ્રામ – તુવેરના દાણા
- ૧૦૦ ગ્રામ – બાફેલા બટાકા
- ૮-૧૦ – વાટેલા લીલા મરચા
- ૭-૮ કાળી – લસણ(જો ખાતા હોવ તો,અત્યારે લીલું લસણ મળે છે તો એ લેવું હોય તો એ પણ લેવાય )
- ૧ – નાનો ટુકડો આદું
- ૧ ચમચી – સુકી દ્રાક્ષ
- ૧ ચમચી – કાજુ
- ૧ ચમચી – તલ
- ૧ – નાની ચમચી હિંગ
- ૧-૧/૨ ચમચી – તેલ
- ૧-૧/૨ ચમચી – ખાંડ
- ૧ ચમચી – લીંબુ નો રસ
- ૧/૪ ચમચી – ગરમ મસાલો
- થોડી સમારેલી કોથમીર
લોટ બાંધવા માટે
- ૨ કપ – ઘઉં નો લોટ
- ૧/૨ નાની ચમચી – મીઠું
- ૧મોટી ચમચી – ઘી
- નવશેકું ગરમ પાણી
રીત :
1) એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી ,ગરમ થાય એટલે તેમાં કાજુ ,દ્રાક્ષ,તલ,હિંગ અને વાટેલા મરચા ઉમેરી સાતળી લો (લસણ એડ કરવું હોય તો અત્યારે જ કરી દેવું )

2) તેમાં ક્રશ કરેલા તુવેર ના દાણા અને મીઠું ઉમેરો અને એને મીડીયમ ગેસ પર શેકો

3) દાણા લગભગ ૭૦-૮૦ % જેવા શેકાય એટલે એમાં ખાંડ એડ કરો (ઓછી વધતી કરી શકો )

4) ખાંડ મિક્ષ થઈ જાય માવો છૂટો થઈ જાય એટલે ગરમ મસાલો અને લીંબુ નો રસ એડ કરો અને ગેસ બંધ કરી દો

5) સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી લો અને માવાને ઠંડો થવા દો

6) માવો ઠંડો થાય એટલે તેમાં બાફેલા બટાટા ને મિક્ષ કરી લો (જૈન લોકો કાચા કેળા લઈ શકે )

7) લોટ માં બધી વસ્તુ મિક્ષ કરી પરોઠા જેવો લોટ બાંધી દો અને ઢાંકીને ૫-૧૦ મિનીટ રહેવા દો

8) તેમાંથી મીડીયમ થીક પુરી વણી તેમાં માવો ભરી આ રીતે કચોરી બનાવો

9) તેને એકવાર આ રીતે ૫૦% જેવી તળી લો (મીડીયમ ગેસ પર )

10) ફરી કચોરી ને ગરમ તેલ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો

11) કચોરી સર્વિંગ માટે તૈયાર છે તેને કેચપ કે ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરો

નોંધ :
ઘી ગરમ કર્યા વગર થીજેલું જ લોટ માં એડ કરી લોટ બાંધવો ,આ રીતે બે વાર કચોરી તળવા થી તે સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન બનશે