આજે આપણે બનાવીશું એક ગુજરાતી રેસીપી જેનું નામ છે “કેરી નો ફજેતો “આ કેરી ના રસ માંથી બનતી એક ગુજરાતી વાનગી છે આનો ટેસ્ટ ગુજરાતી ખાટ્ટી મીઠી કઢીને મળતો આવતો હોય છે અને સાથે જ આમાં જે કેરી ના રસ નો જે એક સરસ ટેસ્ટ આવતો હોય છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ રેસીપી લગભગ ગુજરાતીના ઘરમાં કેરી ની સીઝન માં બનતી હોય છે તો આજે મારા ઘર ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો ચાલો એને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
૪ કપ કેરી ના ગોટલા ને ધોઈને તૈયાર કરેલું પાણી
૨ ચમચી બેસન
૨ ચમચી દહીં
૧ ચમચી વાટેલા મરચા
૧/૨ નાની ચમચી ધાણાજીરું
ગોળ સ્વાદ પ્રમાણે
મીઠો લીંબડો
મીઠું
વઘાર માટે ની સામગ્રી :
૨ ચમચી ઘી
૧/૨ ચમચી રાઈ
ચપટી જીરું
૨-૩ લવિંગ
૧ સુકું લાલ મરચું
હિંગ
રીત :
1) કેરી ના ગોટલા ને સરસ રીતે ધોઈ લો જેથી એની ઉપર નો બધો પલ્પ પાણી માં આવી જાય

2) મેં આ રીતે ૪ કેરી ના ગોટલાને ૪ કપ પાણી માં ધોઈ લીધા છે

3) હવે એમાં બેસન ,દહીં અને મરચાની પેસ્ટ ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો

4) આને એક કડાઈમાં લઈ અને તેમાં મીઠું ,ધાણાજીરું ,ગોળ અને મીઠો લીંબડો એડ કરી મીડીયમ ગેસ પર ઉકાળો

5) વચ્ચે વચ્ચે હલાવતા રહો અને આ રીતે ૧૫ મિનીટ ઉકાળી લો

6) ઘી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે એમાં રાઈ ,જીરું ,સુકું મરચું ,લવિંગ અને હિંગ એડ કરી વઘાર તૈયાર કરી લો

7) વઘારને ફજેતા (કઢી) ની ઉપર એડ કરો અને મિક્ષ કરી ૨ મિનીટ ઉકાળી લો જેથી બધું સરસ મિક્ષ થઈ જાય

8) ગેસ બંધ કરી દો અને ૫ મિનીટ એને ઢાંકીને રહેવા દો પછી સર્વ કરો

9) હવે આ ફજેતો સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :
અત્યારે મેં કેરી ના ગોટલા ને ધોઈને તેનો ઉપયોગ કર્યો છે જેથી બધો પલ્પ ઉપયોગ માં આવી જાય પણ જો તમારે કેરી નો રેડી પલ્પ લેવો હોય તો પણ લઈ શકો છો અને જો તમને ખાટ્ટો ટેસ્ટ પસંદ હોય તો ગોળ skip કરી શકો છો અને ગોળ ના બદલે ખાંડ પણ એડ કરી શકો છો