હવે ફક્ત ૫ મિનિટમાં બનાવો સરસ ટેસ્ટી ગવાર ઢોકળી|Guvar dhokli|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી “ ગવાર ઢોકળી “, આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે આ ઢોકળી રોટલી અને શાકનું સરસ કોમ્બિનેશન કહી શકીએ,ક્યારેક એવું લાગે કે સાંજના જમવામાં કંઇક જલ્દી બની જાય એવું બનાવવું છે કે સવારે જો ગવારનું શાક બનાવ્યું છે અને એ વધ્યું હોય ત્યારે આવી રેસીપી ખુબજ ઉપયોગી રહે છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

ઢોકળી નો લોટ બાંધવા માટે :

૨ કપ ઘઉંનો લોટ

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી હળદર

૧/૨ ચમચી અજમો

૧ ચમચી લાલ મરચું

૧ – ૨ ચમચી તેલ

પાણી લોટ બાંધવા

ઢોકળી બનાવવા માટે :

૩ ચમચી તેલ

૧/૨ ચમચી અજમો

૧/૨ ચમચી હળદર

થોડી હિંગ

૧ ચમચી વાટેલા લીલા મરચા

૫૦૦ -૬૦૦ મિલી પાણી

૧ ચમચી ધાણાજીરું

૧ ચમચી લાલ મરચું

૨ ચમચી ગોળ

૧ નાની વાટકી ગવારનું શાક

રીત :

1) સૌથી પહેલા લોટમાં મસાલા અને તેલ નાખી મિક્ષ કરી લો હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો એનો લોટ બાંધી તૈયાર કરી લો પછી એને ઢાંકીને ૫ – ૧૦ મિનીટ રહેવા દો.

2) હવે એક મોટા કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો,હળદર,હિંગ અને વાટેલા મરચા નાખી સાંતળી લો પછી એમાં પાણી ઉમેરો અને બાકીના મસાલા ઉમેરો અને પાણીને ઉકળવા દો.(જો લસણ નાખવું હોય તો અત્યારે નાખી શકો)

3) પાણી ઉકળે ત્યાં સુધી જે લોટ બાંધ્યો છે એને મસળી એમાંથી લુઆ કરીને મોટી પાતળી રોટલી વણી લો.

4) જે રોટલી વણી છે એમાંથી ઢોકળી કાપી ઉકળતા પાણી માં નાખો અને એક એક રોટલી નાખી હલાવતા જવું જેથી એ ચોંટે નહિ આ રીતે બધી રોટલી વણીને કાપીને આમાં નાખવી પછી ગવારનું શાક એમાં નાખી દો અને આ બધી વસ્તુને ૩ – ૪ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર ઉકળવા દો જેથી ઢોકળી ૨૦ – ૩૦ % જેવી ચઢી જશે.

5) આ રીતે ઢોકળી ચઢી જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી આની એક વ્હીસલ કરી લો

6) કુકર ઠંડુ થાય એટલે ખોલીને ઢોક્ળીને એકવાર હલાવી લો.

7) હવે સરસ ટેસ્ટી ગવાર ઢોકળી સર્વિંગ માટે તૈયાર છે .

Watch This Recipe on Video