ચટપટું ખાવાનાં શોખીન છો તો એકવાર આ ટીક્કી જરુર ટ્રાય કરજો|Stuffed AlooTikki|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું સરસ ટેસ્ટી અને ચટાકેદાર એક ચાટની રેસીપી “ સ્ટફડ આલુ ટીક્કી “ , તમે સાદી આલુ ટીક્કી તો ખાધી હશે પણ શું ક્યારેય આવી સ્ટફિંગવાળી ટીક્કી ટ્રાય કરી છે આ ખુબજ ટેસ્ટી બને છે અને દરેક ચાટનો ટેસ્ટ તમે એમાં જે ચટણી ઉપયોગ કરો એના ઉપર રહેલો હોય છે તો એ ચાટની સ્પેશિયલ ચટણી કેવી રીતે બનાવવી એ પણ આપણે આપણે આ રેસિપીમાં જોઈશું તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ

સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

બહારનું પડ બનાવવા માટે :

૫૦૦ ગ્રામ બાફેલા બટાકા

૩ – ૪ ચમચી દળેલા સાબુદાણાનો પાવડર

૨ ચમચી કોર્ન ફ્લોર

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી જીરું

સ્ટફિંગ બનાવવા માટે :

૧૦૦ ગ્રામ જેટલી બાફેલી ચણાદાળ

થોડી ક્સુરીમેથી

૧/૨ ચમચી જીરું

૧/૨ ચમચી હળદર

૧ ચમચી લાલ મરચું

૧ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી ગરમ મસાલો

૧/૨ ચમચી આમચુર પાવડર

સમારેલી કોથમીર

કાજુ અને દ્રાક્ષ

મીઠી ચટણી બનાવવા માટે :

૨ ચમચી આંબલી

૨૫૦ ગ્રામ ગોળ

૧૦૦ ગ્રામ ખજુર

મીઠું સ્વાદ પ્રમાણે

થોડું લાલ મરચું

થોડું ધાણાજીરું

ચપટી સુંઠ પાવડર

ચપટી ગરમ મસાલો

૧/૨ ચમચી મગજતરીના બી

પાણી જરૂર પ્રમાણે

લીલી ચટણી બનાવવા માટે :

૧૦૦ ગ્રામ કોથમીર

૫૦ ગ્રામ ફુદીનો

૨ ચમચી સીંગદાણા

૨ ચમચી દાળીયા

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી સંચળ

૧/૨ ચમચી ચાટ મસાલો

૧/૪ ચમચી ગરમ મસાલો

૧/૨ ચમચી જીરું

૧ લીંબુ નો રસ

ઠંડું પાણી

સ્પેશિયલ ચાટ મસાલો બનાવવા માટે :

૧/૨ ચમચી ચાટ મસાલો

૧ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧/૨ ચમચી ગરમ મસાલો

૧/૨ ધાણાજીરું

ચપટી હળદર

ચપટી શેકેલા જીરાનો પાવડર

૧ ચમચી ટામેટાનો પાવડર

ચપટી કાળા મરીનો પાવડર

ચપટી મીઠું

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં ખજુર ,આંબલી અને ગોળ લઈશું એમાં થોડું પાણી ઉમેરી એને મીડીયમ ગેસ પર ૧૦ મિનીટ ઉકાળવું પછી એ ઠંડુ થાય એટલે ખજૂરના બીયા કાઢી એને સાફ કરી લો પછી એમાં બ્લેડર ફેરવી ક્રશ કરી લો અને કાણાવાળા વાટકાની મદદથી ગાળી લો ફરીથી આ મિશ્રણ એ વાસણમાં લઇ લો.

2) હવે એમાં મસાલા કરો અને મગજતરીના બી નાખો જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરવું અને આને ૩ – ૪ મિનીટ માટે ઉકાળવું પછી ગેસ બંધ કરી આ ચટણીને ઠંડી થવા દો.

3) લીલી તીખી ચટણી બનાવવા માટે ફુદીના અને લીંબુના રસ સિવાયની બધી સામગ્રી મિક્ષર જારમાં લઇ લોઅને પાણી વગર અધકચરું વાટી લો.

4) હવે એમાં જરૂર પ્રમાણે પાણી ,ફુદીનો અને લીંબુનો રસ ઉમેરી સરસ વાટી લો એટલે આ રીતની જાડી ચટણી બનીને તૈયાર થઇ જશે.

5) સ્ટફિંગ બનાવવા માટે એક વાટકામાં બાફેલી ચણાની દાળ લઇ એમાં બધા મસાલા કરવા,બધું સરસ રીતે મિક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું.

6) બહારનું પડ બનવવા માટે બાફેલા બટાકાને છીણીની મદદથી છીણી લેવા પછી એમાં બાકીની સામગ્રી ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લેવું.(જે જૈન હોય એ બટાકાના બદલે કાચા કેળા બાફીને લઇ શકે)

7) જે બટાકાનું મિશ્રણ બનાવ્યું એમાંથી એક થેપલી જેવું બનાવવું એમાં તૈયાર કરેલું સ્ટફિંગ મુકી સરસ રીતે એને પેક કરી આ રીતે ટીક્કી બનાવવી.

8) ટીક્કીને તળવા માટે ઘી ગરમ કરવા મુકવું ,ઘી ગરમ થાય એટલે બનાવેલી ટીક્કીને એમાં શેલોફ્રાય કરવી,એકબાજુ તળાય એટલે એને ફેરવી બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.(તેલમાં તળવી હોય તો પણ તળી શકો પણ ઘી નો ટેસ્ટ વધારે સારો લાગશે.)

9) તળેલી ટીક્કીને એક સર્વિંગ પ્લેટમાં લઇ એના ઉપર ચટણી,ચાત મસાલો,સેવ અને કોથમીર નાખો (જે ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ નાખી શકે અને લસણની ચટણી પણ નાખી શકો.

10) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર સ્ટફડ આલુ ટીક્કી સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video