હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે ઘરે શેરડીનો રસ કેવી રીતે બનાવવો એ જોઈશું, શેરડીનો રસ બહાર આસાનીથી મળતો જ હોય છે પણ એમાં જે બરફ નાખવામાં આવે છે જે શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે એ કેવું હોય એનો આપણને ખ્યાલ નથી હોતો સાથે જ શેરડીનો રસ કાઢીને થોડીવાર પણ પડ્યો રહે અને જો એ રસ પીવામાં આવે તો બીમારીઓને નોતરે છે ઘણાને તો એમાંથી સ્કીન એલર્જી પણ થતી હોય છે, બીજું કે જે લોકો ચુસ્ત જૈન , સ્વામિનારાયણ કે વૈષ્ણવ ધર્મ પાળે છે કે બહારની કોઈ પણ વસ્તુ ખાવાના ઉપયોગમાં ના લેતા હોય એમના માટે તો ખુબજ ઉપયોગી છે અને ઘરની બનાવેલી કોઈ પણ વસ્તુ બાળકોને આપીએ તો બીમારીનો ડર નથી રહેતો તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૫ મિનીટ
સામગ્રી :
શેરડીનો સાંઠો
પાણી
ચાટ મસાલો કે સંચળ
લીંબુનો રસ
આદુ (ઓપ્શનલ)
રીત :
1) સૌથી પહેલા શેરડીને છોલીને એના નાના ટુકડા કરી લેવા. (બને એટલે ઝીણા ટુકડા કરવા જેથી મિક્ષરની બ્લેડ પર લોડ ના પડે)

2) હવે મિક્ષરમાં એને નાખો સાથે જ થોડું પાણી નાખો જેથી શેરડી મિક્ષરમાં આસાનીથી ક્રશ થઇ જાય.(જો આદું નાખવું હોય તો અત્યારે જ નાખી દેવું)

3) થોડો રસ કાઢો પછી બીજો રસ કાઢવા માટે પાણી ના બદલે શેરડીના રસ નો ઉપયોગ કરવો, જેથી રસ પાતળો ના લાગે.( શેરડી જો મોળી હોય તો ખાંડ ઉમેરી શકો મેં અત્યારે નથી ઉમેરી)

4) રસને ઝીણા ગળણાથી બે વાર ગાળો જેથી બિલકુલ પણ કુચ્ચા ના રહે, ત્યારબાદ એમાં થોડો લીંબુનો રસ નાખો.

5) શેરડીના રસને ગ્લાસમાં લઇ એમાં થોડો ચાટ મસાલો કે સંચળ નાખો, હવે આ ઘરે બનાવેલો ચોખ્ખો શેરડીનો રસ બનીને તૈયાર છે એને તરત જ પીવાના ઉપયોગમાં લેવો.
