હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું ગૌરીવ્રત કે જયાપાર્વતીના વ્રતના એકટાણામાં ખાઈ શકાય એવી રેસીપી જેમાં આપણે બટાકાની સુકી ભાજી , ઘઉંની પોચી પુરી અને અને દુધીની ખીર બનાવીશું,આવી ફૂલ ડીશ જો બાળકીઓને બનાવીને આપશો તો એમને ખુબજ મજા આવશે,તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૨ વ્યક્તિ
સામગ્રી :
પુરીનો લોટ બાંધવા :
૧ કપ ઘઉંનો લોટ (૧૫૦ ગ્રામ)
૧ ચમચી તેલ
ફરાળી મીઠું (ના ખાતા હોવ તો ના નાખવું)
પાણી જરૂર પ્રમાણે
સુકીભાજી બનાવવા :
૩ બાફેલા બટાકા
૧ ચમચી તેલ
૨ લીલા મરચા
૫ -૬ મીઠા લીંબડા ના પાન
૧/૨ ચમચી તલ
૧ ચમચી ખાંડ
૧/૨ ચમચી ધાણાજીરું (ઓપ્શનલ)
સમારેલી કોથમીર (ઓપ્શનલ)
લીંબુ નો રસ
ફરાળી મીઠું
દુધીની ખીર બનાવવા માટે :
૧૫૦ ગ્રામ દુધી
૫૦૦ મિલી દુધ
૨ – ૩ ચમચી ખાંડ
ઈલાઈચી અને જાયફળ નો પાવડર
થોડું સમારેલું ડ્રાયફ્રુટ
રીત :
1) ખીર બનાવા માટે દુધીને છોલીને છીણી લેવી , હવે એક પેનમાં થોડું ઘી ગરમ કરવા મુકો, ઘી ગરમ થાય એટલે એમાં દુધને ૨ મિનીટ માટે સાંતળી લો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને મીડીયમ ગેસ પર ૨ -૩ મિનીટ ઉકળવા દો .

2) હવે આમાં ખાંડ અને ઈલાઈચી અને જાયફળનો પાવડર નાખો, ખીર મીડીયમ થીક થાય ત્યાં સુધી અને ઉકાળો લગભગ ૭ -૮ મિનીટ જેવો સમય લાગશે .

3) છેલ્લે એમાં સમારેલું ડ્રાયફ્રુટ નાખી મિક્ષ કરી ગેસ બંધ કરી દો.અને ખીર રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને ફ્રીજમાં મૂકી ઠંડી થવા દો.

4) પુરીનો લોટ બાંધવા માટે લોટમાં તેલ અને મીઠું નાખી સરસ રીતે મિક્ષ કરી લો , હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા પરોઠા જેવો લોટ બાંધી લો અને લોટ ને ઢાંકીને રહેવા દો.

5) હવે શાક બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એમાં જીરું , તલ ,લીલા સમારેલા મરચા અને લીંબડો ઉમેરો

6) એમાં બાફીને સમારેલા બટાકા ઉમેરી એકવાર મિક્ષ કરી લો એમાં બાકીના મસાલા કરી મિક્ષ કરી કરી ગેસ બંધ કરી દો છેલ્લે લીંબુનો રસ નાખી સરસ મિક્ષ કરવું

7) જે પુરીનો લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને એકવાર મસળી એમાંથી લુઆ બનાવી લો એમાંથી મીડીયમ થીક પુરી વણી લો.

8) આ પુરીને ગરમ તેલમાં ફાસ્ટ ગેસ પર તળી લો જરૂર લાગે તો પુરીને સહેજ દબાવવી જેથી સરસ ફૂલી જાય .

9) લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરની આને તળવી.

10) હવે આ ગૌરીવ્રતનું ફૂલ મેનુ બનીને તૈયાર છે.

નોંધ :
અત્યારે આ રેસિપીમાં ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે પણ જો તમે ઉપવાસમાં મીઠું ના ખાતા હોવ તો નહી નાખવાનું, અને જો તમે બટાકા ના ખાતા હોવ તો કાચા કેળા લઇ શકો અને મરચાના બદલે મરી પાવડર નાખી શકો,ફેરફાર તમારી રીતે તમારા ઘરમાં જે રીતે ઉપવાસમાં ખાવાનું બનતું હોય એમ કરી શકો.