હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે ગુજરાતી ટ્રેડીશનલ દાળ ભાત જેવા આપણે ગુજરાતી લગ્નપ્રસંગ માં દાળ ભાત ખાઈએ છીએ એવા જ સરસ ટેસ્ટી ઘરે બનાવવા ખુબજ સરળ છે આને “ વરાનું દાળ ભાત “ કહે છે આને તમે પાપડ , દહીં છાસ કે અથાણા સાથે સર્વ કરી શકો છો દાળ ભાત ગુજરાતી થાળીનો એક અગત્યનો કે મહત્વનો ભાગ છે જેના વગર ગુજરાતી થાળી અધુરી લાગે તો ચાલો સરસ આવા ટેસ્ટી દાળ ભાત કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૨૫ – ૩૦ મિનીટ
સર્વિંગ ૩ – ૪ વ્યક્તિ
સામગ્રી :
ભાત બનાવવા માટે :
૧ કપ જુના બાસમતી ચોખા
૧ – ૩/૪ કપ પાણી
૧ ચમચી તેલ
૧ ચમચી ઘી
તજ ના નાના ટુકડા
૩ – ૪ લવિંગ
૧ તમાલપત્ર
૨ – ૩ ચમચી લીલા વટાણા
કાજુ અને સુકી દ્રાક્ષ
મીઠું
દાળ બનાવવા માટે:
૧૫૦ ગ્રામ તુવેરની દાળ
૯૦૦ મિલી – ૧ લીટર પાણી
૫૦ -૧૦૦ ગ્રામ સૂરણ
૧૦૦ – ૧૫૦ ગ્રામ ગોળ
૨ ચમચી સીંગદાણા
૧ નાની ચમચી સુકી મેથીના દાણા
૧ ચમચી તીખું લાલ મરચું
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
૧/૨ ચમચી હળદર
૧ ચમચી ધાણાજીરું
મીઠું સ્વાદ પ્રમાણે
૧૦ – ૨૦ ગ્રામ આંબલી
વઘાર માટેની સામગ્રી :
૨ ચમચી તેલ
૧ ચચમચી રાઇ
થોડું જીરું
૧ નાનું સમારેલું ટામેટું
સમારેલા લીલા મરચા
મીઠો લીંબડો
ચપટી હિંગ
સુકા લાલ મરચા
સમારેલી કોથમીર
રીત :
1) સૌથી પહેલા બાસમતી ચોખાને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ અડધો એક કલાક માટે પલાડીને રાખો, હવે એક જાડા તળિયાવળી કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે એમાં બધા આખા મસાલા અને કાજુ – દ્રાક્ષ ઉમેરી સાંતળી લો.

2) પાણી થોડું ગરમ થાય એટલે એમાં વટાણા અને મીઠું ઉમેરો (વટાણા ફ્રેશ કે ફ્રોઝન કોઈ પણ લઇ શકો)

3) થોડી વાર પછી પાણી ઉકળવા લાગે એટલે જે ચોખા પલાડીને રાખ્યા છે એનું પાણી નીતરી આ ચોખા ઉકળતા પાણીમાં ઉમેરી દો,હલ્કા હાથે સહેજ હલાવી લો હવે ફાસ્ટ ગેસ પર અને ઉકળવા દો ચોખા ઉપર જે પાણી છે એ બળે ત્યાં સુધી ખુલ્લું જ રહેવા દો.

4) પાણી બળે એટલે એના ઉપર ઢાંકણ ઢાંકી દો અને આને ધીમા ગેસ પર પાણી પૂરે પુરું બળે ત્યાં સુધી ચઢવા દો (ચોખાને ૮૦% જેવા બાફ્વાના છે)ચોખા આ રીતે બફાઈ જાય એટલે એને ગેસ બંધ કરી સીઝવા દો.

5) હવે દાળ બનાવવા માટે દાળને ધોઇ અડધો થી એક કલાક માટે પલાડીને રાખો પછી દાળને કુકરમાં લઇ લો સાથે ૨ કપ જેટલું પાણી નાખો થોડું સૂરણ છોલીને સમારીને નાખો,અને મીડીયમ ગેસ પર આની ૪ – ૫ વ્હીસલ કરો.(જો સૂરણ ના ભાવતું હોય કે ના મળે તો તમે એક નાનું બટાકુ બાફવામાં નાખી શકો.

6) દાળ સરસ રીતે બફાઈ જાય એટલે એને હેન્ડ બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી લો.

7) દાળને ઉકળવા માટે મુકો અને જરૂર પ્રમાણે પાણી નાખો આમાં ગોળ,સીંગદાણા અને બીજું થોડું સમારેલું સુરણ નાખો અને મીડીયમ ગેસ પર ઉકાળો.

8) દાળમાં મસાલા કરો ,થોડા સુકી મેથીના દાણા નાખો (મેથી તમારે દાળ બાફતી વખતે નાખવી હોય તો પણ નાખી શકો)

9) દાળ ૫ – ૧૦ મિનીટ ઉકળે એટલે એમાં આંબલી નાખો અને દાળને ૧૫ – ૨૦ મિનીટ હજુ ઉકાળો.

10) દાળ ઉકળે એ પછી એનો વઘાર તૈયાર કરવા એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો એમાં રાઈ ,જીરું ,મરચા,લીંબડો,સુકા મરચા,હિંગ,ખડા મસાલા અને ટામેટા ઉમેરી સાંતળો પછી એમાં થોડું પાણી ઉમેરો અને સહેજ વાર ઉકાળો.

11) આ વઘાર દાળમાં ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો.

12) વઘાર ઉમેર્યા પછી દાળને ફરી ૫ – ૭ મિનીટ ઉકાળો જેથી વઘારનો ટેસ્ટ સરસ રીતે દાળમાં ભળી જાય પછી ગેસ બંધ કરી દેવો.

13) હવે આ વરાનું દાળ ભાત સર્વિંગ માટે તૈયાર છે તમે આને પાપડ , દહીં કે છાસ સાથે સર્વ કરી શકો છો.







