હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ફક્ત ૧૦ – ૧૫ મિનિટમાં બની જાય એવા ઈન્સટન્ટ ઢોસા અને ચટણી , હવે જયારે પણ ઢોસા ખાવાની ઈચ્છા થાય અને ઘરમાં ઈન્સટન્ટ પેકેટ ના હોય કે ખીરું બનાવેલું ના હોય તો પણ તમે ઢોસા ફટાફટ બનાવીને ખાઈ શકો છો આ રેસીપી તમે બાળકોને લંચ બોક્ષમાં કે સવારના કે સાંજના નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨ – ૫ મિનીટ
બનાવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ – ૭ – ૮ ઢોસા
સામગ્રી :
૧ કપ ઝીણો સોજી
૧/૩ કપ ઘઉંનો ઝીણો લોટ
૩/૪ કપ દહીં
૧/૨ + ૨ – ૩ ચમચી પાણી
મીઠું સ્વાદ પ્રમાણે
૧/૮ ચમચી સોડા
તેલ કે બટર
ચટણી બનાવવા માટે :
૫૦ ગ્રામ સીંગદાણા
૩ – ૪ ચમચી ટોપરું
૧/૨ ચમચી સુકા ધાણા
૧ – ૨ લીલા મરચા
૧૫ – ૨૦ પાન મીઠો લીંબડો
૧ નાનો ટુકડો આંબલી
૧ ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
પાણી જરૂર પ્રમાણે
ચટણીના વઘાર માટે :
૧/૨ ચમચી તેલ
થોડી રાઇ
૧/૨ ચમચી અડદની દાળ
૧/૨ ચમચી ચણાની દાળ
૧ સુકું લાલ મરચું
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં સોજી , ઘઉંનો લોટ , દહીં અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરો

2) આનું ઘટ્ટ ખીરું બનાવવું પછી એને ઢાંકીને ૧૦ મિનીટ માટે રહેવા દો

3) હવે ચટણી માટે એક પેનમાં સીંગદાણા શેકો એ થોડા શેકાઇ જાય એટલે એમાં ટોપરું અને ધાણા ઉમેરી સહેજ શેકી લો

4) હવે પેનમાં થોડું તેલ ગરમ મુકી એમાં મરચા અને લીંબડો સાંતળી લો , પછી એને ટોપરા ભેગું લઇ ઠંડુ થવા દો

5) આને મિક્ષર જારમાં લઇ એમાં આંબલી અને મીઠું ઉમેરો પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઇ ચટણી ને સરસ વાટી લો

6) હવે આનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ નાખો રાઇ તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં બંને દાળ અને મરચું નાખી સાંતળી લો અને તૈયાર કરેલો વઘાર ચટણી માં નાખી એને સરસ રીતે મિક્ષ કરી લો

7) ૧૦ મિનીટ પછી ઢોસાનું ખીરું થોડું ઘટ્ટ થઇ ગયું હશે ત્યારે એમાં સોડા અને સોડાની ઉપર ૨ ચમચી પાણી નાખી એને સરસ રીતે મિક્ષ કરી લો રેગ્યુલર ઢોસાના ખીરાની જેવી થીક્નેસ હોય એવી જ રાખવાની છે

8) હવે ઢોસાની તવી ગરમ થવા મુકો એમાં થોડું તેલ નાખો અને પેપર નેપકીન ની મદદથી તવી પર પાથરી દો (જો તવી વધારે ગરમ થઇ ગઈ હોય તો થોડું પાણી છાંટી તવીને લુછી લેવી પછી ખીરું નાખવું)જે ખીરું બનાવ્યું છે એમાંથી એક ચમચો ખીરું આ રીતે એના ઉપર પાથરો

9) આખો ઢોસો પાથરી દો પછી ગેસ મીડીયમ કરી દો અને ઢોસાને ચઢવા દો ઉપરનું લેયર ડ્રાય દેખાય પછી એના પર તેલ કે બટર નાખો અને તવીથાથી સ્પ્રેડ કરી દો

10) ઢોસા પર આવી બ્રાઉન ડીઝાઇન દેખાય પછી જ એને કિનારી થી અલગ કરી ફોલ્ડ કરવો (આમાં જો સ્ટફિંગ ભરવું હોય કે પનીર કે ચીઝ છીણીને નાખવું હોય તો પણ નાખી શકો)

11) હવે આ ઈન્સટન્ટ ઢોસા અને ચટણી સર્વિંગ માટે તૈયાર છે
