હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી , જનરલી કઢી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે પણ જે કઢી આપણે ગુજરાતી લગ્નપ્રસંગમાં કે રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીની જોડે જે કઢી સર્વ કરવામાં આવે છે એનો ટેસ્ટ જ કઈંક અલગ હોય છે તો એવી જ કઢી બનાવવા માટે તમારે માપ કેવી રીતે લેવું અને કઈ વસ્તુનું ધ્યાન રાખવુ એ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨ મિનીટ
બનાવવાનો સમય – ૨૦ – ૨૨ મિનીટ
સર્વિંગ – ૩ – ૪ વાટકી
સામગ્રી :
૧/૨ કપ દહીં
૧/૪ કપ બેસન
૨.૫ કપ પાણી
મીઠું સ્વાદ પ્રમાણે
૭૦ – ૮૦ ગ્રામ ગોળ
વઘાર કરવા માટે :
૧ ચમચી તેલ
૨ ચમચી ચોખ્ખું ઘી
૧/૨ ચમચી રાઇ
ચપટી જીરું
ચપટી હિંગ
૧ લીલું મરચું
સુકુ લાલ મરચું
થોડા મેથી દાણા
મીઠો લીંબડો
કોથમીર
રીત :
1) સૌથી પહેલા એક તપેલીમાં દહીં , બેસન અને ૨ કપ પાણી મિક્ષ કરી ઝરણીથી કે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો , પછી જરૂર પ્રમાણે બીજું પાણી ઉમેરી દો

2) એને મીડીયમ ગેસ પર ગરમ કરવા મુકો

3) હવે એનો વઘાર કરવા માટે તેલ અને ઘી ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે એમાં રાઇ , જીરું ,અને સમારેલું લીલું મરચું નાખી ગેસ બંધ કરી દો પછી એમાં સુકી મેથીના દાણા , હિંગ , સુકુ મરચું અને લીંબડો નાખી મિક્ષ કરી લો (તજ – લવિંગ નાખવા હોય તો પણ નાખી શકો )

4) હવે આ તૈયાર કરેલો વઘાર કઢીમાં નાખો અને સરસ રીતે મિક્ષ કરી લો અને મીડીયમ ગેસ પર ઉકાળો (જો આદુ નાખવું હોય તો અત્યારે નાખી દેવુ )

5) કઢી ઉકળવાની શરુ થાય થાય એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ ઉમેરો

6) ૮ – ૧૦ મિનીટ પછી એમાં કોથમીર ઉમેરી દો જેથી એની પણ સરસ સુંગધ અને ટેસ્ટ કઢીમાં મિક્ષ થઇ જાય

7) ૨૦ – ૨૨ મિનીટ પછી કઢી ઉકળી ને તૈયાર છે હવે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી એને ૧૦ -૧૫ મિનીટ માટે સીઝવા દો અને પછી એને સર્વ કરો

8) હવે આ સરસ મજાની ટેસ્ટી કઢી સર્વિંગ માટે તૈયાર છે તમે આને ભાત , ખીચડી , જીરા રાઈસ કે પુલાવ સાથે સર્વ કરી શકો છો.
