પાત્રા બનાવાની અને એને ૩ મહિના સુધી સ્ટોર કરવાની સરળ અને પરફેક્ટ રીત- ટીપ્સ | Frozen Patra | Aloo Wadi

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એક ગુજરાતી ફેમસ ફરસાણ “ પાત્રા “ કે જેને “ પતરવેલીયા “ પણ કહે છે અને ગુજરાતની બહાર એને “ આલુ વડી “ કહે છે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને છે, પાત્રા બનાવવા માટે અળવીના પાન નો ઉપયોગ થતો હોય છે જેમાં ચણાના લોટનું ખીરું બનાવીને લગાડવામાં આવે છે અને ખીરામાં ખાટ્ટો ,મીઠો ,તીખ્ખો બધા ટેસ્ટનું કોમ્બીનેશન હોય છે જેથી ખુબજ સરસ લાગે છે આ ખીરું પાંદડા પર લગાવીને એક સ્પેશિયલ ટેકનીકથી એનો રોલ વાળવામાં આવે છે પછી એને બાફીને વાઘરવામાં આવે છે અને આનો પૂરો ટેસ્ટ ખીરાના મસાલા અને એના વઘાર પર રહેલો છે કેમકે આનો વઘાર પણ એક અલગ રીતથી કરવામાં આવે છે સાથે જ આ પાત્રાને તમે બનાવીને ફ્રીઝરમાં ૩ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો પાત્રા ને સ્ટોર કરવા માટે અમુક ટીપ્સ નું ધ્યાન રાખવાનું હોય છે જે હું તમને જણાવતી જઈશ જેથી તમારા પણ પાત્રા એકદમ સરસ અને પરફેક્ટ બને, અને તમે એને સ્ટોર પણ કરી શકો તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ – ૧૫ મિનીટ

બનાવાનો સમય – ૨૦ – ૩૦ મિનીટ

સર્વિંગ – ૪ – ૫ વ્યક્તિ

સામગ્રી :

૨૫૦ ગ્રામ અળવીના પાન

૪૫૦ – ૫૦૦ ગ્રામ ચણાનો લોટ

૧ ચમચી ધાણાજીરું

૧ – ૨ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

૩ ચમચી ખાંડ

૨ ચમચી દહીં

૩ ચમચી ખજુર આંબલીની ચટણી

પાણી (૧ કપ + ૧ – ૨ ચમચી)

વધાર માટેની સામગ્રી :

૩ – ૪ ચમચી તેલ

૧ ચમચી રાઇ

ચપટી જીરું

ચપટી હિંગ

૪ – ૫ લવિંગ

નાનો તજ નો ટુકડો

૧ ચમચી સુકા ધાણા

૧ ચમચી વરીયાળી

૧ ચમચી તલ

૨  સમારેલા લીલા મરચા

મીઠો લીંબડો

૨ – ૩ ચમચી ખાંડ

ચપટી મીઠું

૧/૪ કપ પાણી

લીંબુનો રસ

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા અળવીના પાન લઇ ધોઈને એની જાડી નસો કાઢી સાફ કરી લેવા (પાન બને ત્યાં સુધી એની કાળી નસો હોય એવા લેવા જો એવા ના મળે તો લીલી નસોવાળા લઇ શકો પણ એ નાની સાઈઝના લેવા નાના પાન કુણા હોય અને એમાં ખજૂરી પણ ના હોય અથવા ઓછી હોય.

2) ચણાના લોટ માં બધા મસાલા નાખી એમાં પાણી ઉમેરી એનું સરસ ખીરું બનાવીને તૈયાર કરવું, ખીરું વધારે જાડું પણ નહિ અને પાતળું પણ નહિ એવું બનાવવું.

3) જે પાંદડા સાફ કરીને રાખ્યા છે એની પાછળના ભાગમાં ખીરું લગાવવાનું છે તો પાંદડાને આ રીતે કિચન પ્લેટફોર્મ પર ઉંધા પાથરો એના ઉપર આ રીતે ખીરું લગાવતા જાવ ખીરું હલ્કા હાથે લગાવવું નહિ તો પાન તુટી જાય એક પણ પર ખીરું લાગી જાય એટલે બીજું પાન એનાથી ઉંધી સાઈડ ફેરવીને મુકવું જેથી એકબાજુ જાડો ભાગ અને એકબાજુ પાતળો ભાગ એવું ના થાય

4) આ રીતે ૪ – ૫ પાન પર ખીરું લગાવી દેવું , ત્યારબાદ એનો રોલ વાળવા માટે પહેલા એને બંને બાજુથી આ રીતે વાળો પછી એકબાજુથી આ રીતે ટાઈટ રોલ વાળતા જાવ બીજા છેડે આ રીતે રોલ કરી એને જોઈન્ટ કરી દો , રોલ ટાઈટ હોવો જરૂરી છે

5) ઢોકળીયામાં પાણી ગરમ કરવા મુકવું પાણી ઉકળે એટલે એના પર કાણાવાળી જાળી મૂકી સહેજ તેલ લગાવો અને જે રોલ બનાવીને તૈયાર કર્યા છે એને જાળી પર મૂકી દો,આનું ઢાંકણ ઢાંકી એને મીડીયમ ગેસ પર ૧૫ – ૨૦ મિનીટ માટે બફાવા દો.

6) ૨૦ મિનીટ પછી પાત્રા બફાયા છે કે નહિ એ ચેક કરવા એક ચપ્પુ લો અને એને રોલમાં નીચે સુધી જવા દો, ચપ્પુ ચોખ્ખું નીકળે મતલબ રોલ બફાઈ ગયા છે જો સહેજ લોટ ચપ્પા પર ચોટે તો એ લોટના મોઈશ્ચર ના લીધે હોય રોલ સીઝે એટલે સરસ થઇ જાય હવે ફરી ઢાંકણ અડધું ઢાંકી આ રોલને ૧૦ મિનીટ સીઝવા દો

7) એ પછી એને નીચે ઉતારી ૪ – ૫ કલાક માટે ઠંડા થવા દો (એને પંખા નીચે ઠરવા નહી દેવાના નહિ તો ઉપરનું પડ સુકાઇ જશે)

8) ૪ – ૫ કલાક પછી આ સરસ રીતે ઠંડા થઇ જાય એટલે એને આ રીતે ઝીપ પાઉચમાં મુકી ,પ્લાસ્ટિક ની stro ની મદદથી અંદરની બધી હવા ખેંચીને બહાર કાઢી લેવી અને પાઉચને સરસ રીતે પેક કરી દેવું

9) હવે આ પાઉચને ડીપ ફ્રીઝરમાં મુકી તમે ૩ મહિના સુધી સ્ટોર કરી શકો છો

10) જયારે પણ તમારે એને ઉપયોગમાં લેવા હોય ત્યારે ફ્રીઝરમાંથી કાઢી ૩ – ૪ કલાક રહેવા દો એમાંથી એકદમ બરફ ઓગળી જાય પછી એને કટ કરો

11) હવે આનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ,જીરું,સુકા ધાણા,વરીયાળી ,લીલા મરચા,હિંગ ,લીંબડો,તલ અને તજ લવિંગ ઉમેરી સહેજ વાર સાંતળો

12) હવે એમાં પાણી નાખો પછી એમાં મીઠું અને ખાંડ નાખી પાણીને ૧ મિનીટ ઉકળવા દો

13) હવે એમાં સમારેલા પાત્રા નાખો અને એને મિક્ષ કરીને ધીમા ગેસ પર ૫ – ૭ મિનીટ રહેવા દો

14) ૫ – ૭ મિનીટ પછી તમે જોશો તો બધો વઘાર સરસ રીતે પાત્રા માં મિક્ષ થઇ ગયો હશે હવે ગેસ બંધ કરી એમાં કોથમીર ઉમેરો

15) હવે ગેસ બંધ કરી છેલ્લે આમાં લીંબુનો રસ નાખોઅને મિક્ષ કરી લો

16) હવે આ પાત્રા બનીને તૈયાર છે

નોંધ :

1) પાંદડા ની ક્વોલીટી સારી લેવી

2) ખીરામાં લીલા મરચા કે આદુ ના નાખવું

3) પ્રોપર સમય સુધી એને બાફવા જરૂરી છે

4) પાત્રા નો રોલ એકદમ ઠંડો થાય પછી જ ફ્રીઝરમાં મુકવો

5) જયારે એને વઘારો ત્યારે વઘારમાં પાણી ઉકળે એટલે તરત એને નાખી ધીમા ગેસ પર થોડીવાર ચઢવા દેવા

Watch This Recipe on Video