શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી જે ઘરમાં દરેકને ખૂબ જ ભાવશે

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી એક ફરાળી રેસીપી ફરાળી સ્ટફડ પરોઠા જેમાં આપણે શક્કરીયા અને બટાકાનો ઉપયોગ કરીશું આ પરોઠા ખુબજ ટેસ્ટી બને છે અને જ્યારે મોટો ઉપવાસનો દિવસ હોય જેમ કે રામનવમી , જન્માષ્ટમી , શિવરાત્રી કે અગિયારસ ત્યારે જો તમે આ રીત ની રેસીપી બનાવશો નાનાથી લઈને મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે અને તમે આને ચટણી , ઘરના બનાવેલા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ 8 પરોઠા

સામગ્રી :

3 બાફેલા શક્કરીયા

4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા

1 ચમચી વાટેલા લીલા મરચાં

ચપટી હળદર

1/2 ચમચી મરચું

1/2 ચમચી ધાણાજીરૂ

મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી ગરમ મસાલો ઘરનો બનાવેલો

1/2 ચમચી તલ

થોડુ જીરુ

મીઠા લીમડાના પાન

સમારેલી કોથમીર

લીંબુનો રસ

તેલ પરોઠા શેકવા માટે

લોટ બાંધવા માટે :

1 કપ ફરાળી લોટ

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી તેલ

નવશેકું ગરમ પાણી લોટ બાંધવા માટે

રીત :

1) સૌથી પહેલા લોટ બાંધવા માટે એક વાસણમાં ફરાળી લોટમાં મીઠું અને તેલ નાખીને મિક્સ કરી લો.ત્યારબાદ થોડુ પાણી ઉમેરતા જઈ ને રોટલી જેવો લોટ બાંધી ને તૈયાર કરી લો ફરી થોડું તેલ લઈને મસળીને લોટને સુંવાળો કરી લો.હવે તેને ઢાંકી ને સાઈડ માં મૂકી દઈશું

2) એક વાસણમાં શક્કરીયા અને બટાકાનો છૂંદો કરીને તૈયાર કરી લો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , સમારેલી કોથમીર , મરચું અને ધાણાજીરું નાખીને થોડું મિક્સ કરો

3) હવે એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું , તલ , વાટેલાં લીલાં મરચાં , હળદર અને મીઠા લીમડાના પાનને ઝીણાં સમારીને તેમાં ઉમેરો

4) હવે જે બટાકાનો અને શક્કરીયા નો મસાલો આપણે મિક્સ કરીને રાખ્યો છે એ આમા ઉમેરી લઈશું આને સરસ રીતે મિક્સ કરીશું આ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આમાં લીંબુનો રસ નાખીશું (તમે જે માવો બનાવ્યો હોય એ થોડો ઢીલો થઇ ગયો હોય તો લીંબુના રસને બદલે તમે થોડો આમચૂર પાઉડર પણ નાખી શકો છો) અહીંયા શક્કરીયા નો ઉપયોગ કર્યો છે એટલે ખાંડનો ઉપયોગ નથી કરવાનો પણ જો તમને જરૂર લાગે તો થોડી ખાંડ તમે ઉમેરી શકો છો હવે આપણે માવાને ઠંડો થવા દઈશું

5) આ એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ આમાંથી આપણે જે પણ સાઈટના પરોઠા બનાવવા હોય એ પ્રમાણેના આ રીતે નાના નાના ગોળા બનાવીને તૈયાર કરી લઈશું જેથી પરોઠા બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે

6) હવે જે લોટ બાંધીને રાખ્યો હતો એને એક વાર મસળી લો અને પછી એમાંથી લુઓ બનાવો ફરાળી લોટનું અટામણ લઈ ને એમાંથી નાની રોટલી વણો પછી સ્ટફિંગ નો બોલ આપણે બનાવ્યો છે એ એમાં મુકીશું

7) જે રીતે લીલવાની કચોરી પેક કરતા હોઈએ એ રીતે આને પેક કરો અને વધારાનો લોટ કાઢી લેવો અને સરસ રીતે અને સીલ કરી દઈશું હાથથી થોડું દબાવો પછી ફરીથી અટામણ લઈ ને હલકા હાથે વણી લો

8) પરોઠાને શેકવા માટે એક તવી ગરમ કરવા માટે મુકીશું તવી ગરમ થાય એટલે આપણે પરોઠું આમાં નાખીશું પરોઠાનો વણેલો ઉપરનો ભાગ તવીમાં નીચે જાય એ રીતે પરોઠું આમાં નાખો પહેલા આને ધીમા ગેસ પર શેકો એક બાજુ શેકાઈ જાય પછી અને ફેરવી દો અને બીજી બાજુ એને મિડિયમ ગેસ પર શેકવાનું છે બીજી બાજુ પણ આ રીતની ડિઝાઇન દેખાય એટલે પરોઠા પર તેલ કે ઘી જે તમારે મૂકવું હોય એ મૂકીને ફેરવી દો

9) હવે એને હલ્કા હાથથી દબાવતા જઈને સરસ રીતે શેકી લઈશું પરોઠાને શેકતી વખતે વધારે વજન નથી દેવાનું આ રીતે સરસ પરોઠું તૈયાર થઈ ગયું છે આજ રીતે બાકીના બનાવીને તૈયાર કરવાના છે

10) આવા સરસ મજાના ફરાળી સ્ટફ પરોઠા બનીને તૈયાર છે અને તમે આને ટોમેટો કેચપ , કોથમીર મરચા ની લીલી ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video